(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
આધારકાર્ડને બેંક ખાતાઓ સાથે જોડવાની તારીખ સરકારે વધારી છે. આવતીકાલે બંધારણીય બેંચ સમક્ષ આધાર બાબતે સુનાવણી હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે લોકો નવા ખાતાઓ ખોલાવવા માંગે છે એ લોકો ૬ મહિનામાં આધારની વિગતો આપી શકશે. જે ખાતાઓ હાલમાં અસ્તિત્વ ધરાવે છે એમના માટે નવી તારીખ હવે પછી જાહેર કરાશે. સરકારે ગઈકાલે આદેશ બહાર પાડી જણાવ્યું હતું કે એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટમાં સુધારો કર્યો છે. સરકારે જણાવ્યું કે આધારને પાન સાથે જાડવાની તારીખ પણ પછીથી જાહેર કરાશે. કાળાં નાણાંની હેરફેરને રોકતો આ કાયદો છે જેમાં બેંકો અને નાણાંકીય સંસ્થાઓએ પોતાના ગ્રાહકોની ઓળખ કરવી ફરજિયાત છે જેના માટે પાન અને આધાર સાથે જોડવા નિર્ણય લેવાયો હતો. સુપ્રીમકોર્ટે આજે જણાવ્યું હતું કે, પાંચ જજોની બંધારણીય બેંચ આવતીકાલે આધારને લગતી અરજીઓની સુનાવણી કરશે જેમાં સરકારના નિર્ણય સાથે વચગાળાના મનાઈ હુકમની માગણી કરાઈ છે. સરકારે નિર્ણય કર્યો છે કે, સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર સાથે જોડાણ કરવું ફરજિયાત છે. કેન્દ્ર સરકારે ૭મી ડિસેમ્બરે સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે વિવિધ યોજનાઓ અને સેવાઓ માટે આધાર સાથે જોડવાની અંતિમ તારીખ ૩૧મી માર્ચ ર૦૧૮ કરવામાં આવશે. ર૭મી નવેમ્બરે સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે, અમે સરકારના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી માટે બંધારણીય બેંચની રચના કરીશું. ૩૦મી ઓક્ટોબરે જણાવ્યું હતું કે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બંધારણીય બેંચ સુનાવણી કરશે. થોડા સમય પહેલાં ૯ જજોની બંધારણીય બેંચે જાહેર કર્યું હતું કે ગોપનીયતાનો અધિકાર મૂળભૂત અધિકાર છે. અમુક અરજદારોએ અરજી કરી જણાવ્યું હતું કે આધારને ફરજિયાત લાગુ કરવું એ ગોપનીયતાના અધિકારનું ભંગ છે. રપમી ઓક્ટોબરે કેન્દ્ર સરકારે ફરજિયાત આધાર જોડવાની તારીખને ૩૧મી માર્ચ ર૦૧૮ સુધી લંબાવવા તૈયારી બદલી હતી. એટર્ની જનરલે સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે જેમની પાસે આધાર નથી પણ જે લેવા માંગે છે એમની સામે કોઈ પણ પ્રકારના સખ્ત પગલાં લેવામાં આવશે નહીં.