(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
પાંચ મહિલા ધારાશાસ્ત્રીઓના ચારિત્રય સામે શંકા તેમજ બિભત્સ આક્ષેપો સાથે નનામી અરજી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો આરોપ ધરાવતા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગોત્રી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર દિવાળીપુરા સ્થિત નવી કોર્ટ ઇમારતની જાહેર જગ્યામાં બિનવારસી હાલતમાં બે કવર મૂકી અજાણ્યો શખ્સ રવાના થયો હતો. મહિલા વકીલને જાણ થતા તેઓએ આ કવર ખોલતા જ પાંચ મહિલા વકીલોના નામ જોગ ગંભીર આક્ષેપો અને બદનામી કરવામાં આવી હતી. મહિલા વકીલો પૈકી એક ધારાશાસ્ત્રીએ રૂા.૧૫ લાખની ફોર વ્હીલર લીધી છે. બીજી મહિલા ધારાશાસ્ત્રીએ રૂપિયા અડધો કરોડની કિંમત ધરાવતી ઔડી કાર લીધી છે. એક મહિલા વકીલે નવું ટુ વ્હીલર ખરીધ્યું છે. તદ્દઉપરાંત એક મહિલા ધારાશાસ્ત્રીએ વાસણા રોડ પર રૂપિયા અડધો કરોડનો બંગલો ખરીધ્યો છે તેવી જ રીતે અન્ય એક મહિલા ધારાશાસ્ત્રીએ રૂા.૧ કરોડનો આલીશાન બંગલો લેવામાં આવ્યો છે. નનામી પત્રિકામાં વધુમાં એવું જણાવાયું છે કે મહિલા વકીલની સનદ રદ કરવામાં આવી છે. તેમજ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. અન્ય એક મહિલા વકીલની અરજી અદાલતે ફગાવી દીધી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગત તા.૨૨મી ઓકટોબરના રોજ રાત્રિના સમયે મહિલા વકીલે અન્ય મહિલા વકીલને મોબાઇલ ફોનથી સંદેશો પાઠવી ઉકત નનામી પત્રિકા અરજી વિશેની જાણ કરી હતી. જેમાં મહિલાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજીના અંતમાં સાંઇનાથનો ભકત શેરડી એવું લખાણ લખવામાં આવ્યું છે. શહેરની જાણીતી હોટલોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવાનું પણ કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં ડિસ્ટ્રીકટ જજ જે.સી. દોશીએ સંબોધીને લખાયેલી નનામી અરજીમાં સાંઇ ભકતે એવી પણ વિનંતી કરે છે કે, ભવિષ્યમાં નવી કોર્ટનું નામ ખરાબ ન થાય તે માટે ન્યાયના વિશાળ હિતમાં આપશ્રી સુઓ મોટો હુકમ કરી વડોદરા વકીલ મંડળને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. ગોત્રી પોલીસ મથકે મહિલા વકીલ શીતલ ઉપાધ્યાય દ્વારા જાતિ સતામણી અને બદનામી થાય તેવું લખાણ લખવા બદલ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.