માંગરોળ, તા.૨૮
તાજેતરમાં માંગરોળ તાલુકાના કીમ-કોઠવા દરગાહ ખાતેથી શહદા-નંદરબાર વિસ્તારમાંથી આ વિસ્તારનો વોન્ટેડ આરોપી બબન ભીમા પાવરા બે બાળકીઓનું અપહરણ કરી આ દરગાહ ખાતે આવ્યો હતો. પરંતુ દરગાહ ખાતે ઈમરાન ઈલ્યાસ શાહ અને એમની ટીમે આ કૌભાંડ ઝડપી પાડી આરોપી અને બે બાળકીઓનો કબજો કોસંબા પોલીસ દ્વારા નંદરબાર પોલીસને સુપ્રત કરાયો હતો. નંંદરબાર પોલીસે બબન ભીમા પાવરા ઉપર પ૦ હજારનું ઈનામ જાહેર કર્યું હતું. આજે ઈમરાન ઈલ્યાસ શાહનું નંદરબાર ખાતે એસપીની કચેરીમાં એસ.પી. સંજીવકુમાર પાટીલ (આઈપીએસ) તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પુષ્પગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી પ્રમાણપત્ર એનાયત કરી તથા રોકડ પુરસ્કાર અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સાથે એમની ટીમના હાફેજીભાઈ સહિત અન્યોને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઈમરાનભાઈએ ઈનામમાં મળેલ રોકડ રકમ બે બાળકીઓના અભ્યાસ માટે બાળકીના પરિવારને અર્પણ કરી દીધી છે. આ પ્રસંગે બંને બાળકીઓ અને એના માતા-પિતા પણ ઈમરાનભાઈ અને એમની ટીમને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. એસપીની કચેરીમાં ઈમરાનભાઈએ હિંદુ બાળકીના પિતાને ગળે લગાવી આશિર્વાદ મેળવતા એક તબક્કે કૌમી એકતાના દર્શન નજરે પડ્યા હતા.