(એજન્સી) વિઝાગ, તા. ૨૩
આંધ્રપ્રદેશના આઇટી પ્રધાન નરા લોકેશે જણાવ્યું કે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનું જે થયું છે તે તો માત્ર એક ‘ટ્રેલર’ છે અને વાસ્તવિક ફિલ્મ તો ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં બતાવવામાં આવશે. એક સભાને સંબોધતા આંધ્રપ્રદેશના માહિતી અને ટેકનોલોજી, પંચાયતી રાજ અને ગ્રામ વિકાસ પ્રધાને કહ્યું કે કર્ણાટકની ચૂંટણીઓમાં તેલગુ લોકોએ માત્ર ટ્રેલર બતાવ્યું છે, તેઓ ૨૦૧૯ની ચૂંટણીઓમાં આખી ફિલ્મ બતાવશે. લોકેશે જણાવ્યું કે કેન્દ્રની નવી સરકાર રાજ્યને સહાય કરશે, એવી આશા સાથે તેલગુ દેશમ્‌ પાર્ટી (ટીડીપી)એ ૨૦૧૪માં ભાજપ સાથે જોડાણ કર્યું હતું પરંતુ બધું ખોટું પુરવાર થયું છે. આ ઇવેન્ટમાં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભાજપની હાલત દેશમાં કોંગ્રેસ જેવી થઇ જશે.
૨૦૧૪ની ચૂંટણીઓમાં અમે ભાજપ સાથે જોડાણ કર્યું હતું. ટીડીપીએ વોર્ડના સભ્ય તરીકે પણ જીતી નહીં શકતા ભાજપના નેતાઓને એક તક આપી હતી. ટીડીપીએ ભાજપના ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો માટે વિજય શક્ય બનાવ્યો હતો. તેમણે વધુમાં એવો પણ દાવો કર્યો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ રાજ્યમાં ટીડીપીની સત્તા પર કાબૂ મેળવી શક્યા ન હતાં.