અંકલેશ્વર,તા.૪
વડોદરા અને હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની શાહી સુકાઈ નથી ત્યાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં ૧૧ વર્ષીય બાળા પર આશરે ૩૬ વર્ષીય શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઝઘડિયા પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઝઘડિયા તાલુકાના અંતરિયાળ એક ગામમાં ગત તારીખ ૧ ડિસેમ્બરના રોજ ૩૬ વર્ષીય ભગવત જગા વસાવાના સંતાનો બકરા ચરાવવા ગયા હતા. ભગવત વસાવાના સંતાનો સાથે તેના જ ગામની ૧૧ વર્ષીય બાળકી પણ બકરા ચરાવવા માટે ગઈ હતી દરમ્યાન બપોરના અરસામાં ભગવત વસાવા જ્યાં તેના સંતાનો સાથે ગામની અન્ય બાળા ગઈ હતી એને પટાવી ફોસલાવી શેરડીના ખેતરમાંથી શેરડી ભાંગી આપવાના બહાને શેરડીના ખેતરમાં લઈ ગયો હતો શેરડી આપવાના બદલે નરાધમ ભગવત વસાવા એ ૧૧ વર્ષીય બાળા સાથે દુષ્કર્મ આચરી બાળકીને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. બાળા ખેતરથી ઘરે જઈ કોઈને પણ વાત કરી ન હતી પરંતુ બાળાની માતાએ બાળાના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેના પતિને આ બાબતની વાત કરતાં તેની માતાએ બાળાને પૂછતા તેણે ગામના જ ભગવત વસાવા શેરડી ભાંગી આપવાનું કહી ખેતરમાં લઇ જઇ કુકર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું. પરિવારે ૩૬ વર્ષીય ભગવત જગા વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ ભગવત વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.