(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
સુરત શહેરના સરથાણામાં કિશોરી ઉપર દુષ્કર્મની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક ૧૪ વર્ષની કિશોરીને તેના સગા મામાએ હવસનો શિકાર બનાવી હોવાનું બાહર આવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક ૨૪ વર્ષીય મામાએ પોતાની સગી ભાણીને પોતાની હવશનો શિકાર બનાવી હતી. આ ઘટના ત્યારે બની હતી કે જ્યારે પરિવાર રાત્રે ઉંઘી રહ્યો હતો. આ સમયે મામા સુનિલે તેનો ગેરફાયદો ઉઠાવાને તેની સગી ભાણીને જ પીંખી નાંખી હતી. કિશોરીએ આ અંગેની જાણ તેની માતાને કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. દુષ્કર્મી અન્ય કોઈ નહીં પરંતુ તેનો સગો ભાઈ હોવાનું જાણીને કિશોરીની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે પરિવારના અન્ય સભ્યોને વાત કરતા અંતે ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બનાવ અંગે પરિવારે મોડી રાત્રે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી કરતા સુનિલની ધરપકડ કરીને પીડિત કિશોરીને મેડિકલ તપાસ માટે સ્મિમેર હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. બળાત્કારનો આરોપી ૨૪ વર્ષીય સુનિલ તેની બહેન સાથે સુરતમાં રહેતો હતો. સુનિલ કારખાનામાં મજૂરી કામ કરતો હતો. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે આરોપી સુનિલ બાળપણથી જ તેની બહેન સાથે રહેતો હતો. સુનિલ મૂળ મધ્યપ્રદેશનો છે. આ બનાવ અંગે તરૂણીએ જાતે સરથાણા પોલીસ મથકમાં મામા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર, પોસ્કોના ગુના હેઠળ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.