National

હૈદરાબાદ દુષ્કર્મ-હત્યાના ચારેય નરાધમો એન્કાઉન્ટરમાં ઠાર

(એજન્સી) હૈદરાબાદ, તા. ૬
હૈદરાબાદમાં મહિલા વેટરનટરી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરીને નિર્મમ હત્યા કરનારા ચારેય નરાધમોને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરતા દેશને હચમચાવી નાખનારી ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે, જે જગ્યાએ મહિલા સાથે સામુહિક બળાત્કાર થયો હતો તે સ્થળે આરોપીઓને ઘટનાની વિગતો જાણવા લઇ જવાયા હતા તે સમયે તેઓએ ભાગીજવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓને ઠાર કરાયા છે. ચાર આરોપીઓ મોહમ્મદ આરિફ(૨૬), જોલ્લુ શિવા(૨૦), જોલ્લુ નવીન(૨૦) અને ચિંતાકુંતા ચેન્નાકુશાવુલુ(૨૦)ને શુક્રવારે વહેલી સવારે ઘટનાસ્થળે લઇ જવાયા હતા. હૈદરાબાદથી ૫૦ કિલોમીટર દૂર જ્યાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો તે બ્રિજ નજીક તેમને લઇ જવાયા હતા. પોલીસ અનુસાર તે સમયે ચારમાંથી એકે અન્ય ત્રણને સંકેત આપ્યો હતો તે સંભવત ભાગી જવાનો સંકેત હતો. પોલીસે દાવો કર્યો છે કે, હથિયાર છીનવીને તેમના પર હુમલો થયા બાદ તેમણે આત્મસુરક્ષામાં વળતો હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ જવાનને પણ ઇજાઓ થઇ છે. આરોપીઓને હાથકડી બાંધવમાં આવી ન હતી. સાયબરાબાદના પોલીસ પ્રમુખ વીસી સજ્જનારે જણાવ્યું હતું કે, આરોપીઓએ અમારી પર પથ્થરો વડે હુમલો કરીને હથિયાર છીનવી લીધા હતા. જ્યારે પોલીસે તેમને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. આ ઘટનામાં ૧૦માંથી બે પોલીસ જવાન ઘાયલ થયા છે. ચારેય આરોપીઓ મળી ગયા હતા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યોહતો. પોલીસે તેમને આત્મસમર્પણની ચેતવણી આપી હતી પણ તેઓ સતત ફાયરિંગ કરતા રહ્યા હતા.ત્યારબાદ અમારા અધિકારીઓએ જવાબમાં ફાયરિંગ કર્યું હતું.
હૈદરાબાદના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રકાશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, આરોપીઓ ક્રોસ ફાયરમાં માર્યા ગયા છે. તેઓએ પોલીસ જવાનો પાસેથી હથિયાર છીનવાનો પ્રયાસ કર્યો હતો પણ ગોળીબારમાં માર્યા ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કોઇ તબીબી સારવાર પહોંચે તે પહેલા ચારેય આરોપીઓ મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે જણાવ્યું છે કે, આ ઘટનાની તપાસ કરવા માટે તેઓ સિનિયર અધિકારીઓની આગેવાનીમાં એક ટીમને તેલંગાણા મોકલશે. આ ટીમ વહેલી તકે પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ ચારેય આરોપીઓ બળાત્કારની ઘટના બની તેના બીજા દિવસથી જ બુધવારથી પોલીસ કસ્ટડીમાં હતા.
૨૭મી નવેમ્બરે ચાર વ્યક્તિઓ જેઓ ટ્રક ડ્રાઇવર અને ક્લિનર હતા તેમણે જોયું કે, એક ૨૭ વર્ષની મહિલા વ્યસ્ત હાઇવે પરના ટોલ બૂથ પર પોતાનું સ્કૂટર પાર્ક કરી રહી છે. તેમણે તેના સ્કૂરટરના ટાયરની હવા કાઢી નાખી અને રાહ જોવા લાગ્યા. જ્યારે તે પોતાની ડર્મેટોલોજી એપોઇન્ટમેન્ટ પુરી કરીને પરત ફરી ત્યારે તેને સ્કૂટર રિપેર કરવાના વાયદા સાથે ટ્રક યાર્ડમાં લઇ જવાઇ હતી અને તેની સાથે સામુહિક બળાત્કાર ગુજારાયો હતો. ત્યારબાદ તેની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી નાખી હતી તેમ પોલીસે જણાવ્યું હતું. દેશભરમાં આ ઘટનાના વિરોધ વચ્ચે તેલંગાણાના કાયદા વિભાગે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો નિર્ણય લીધો હતો. મહિલાના પિતાએ જણાવ્યું હતું કે, મારી પુત્રીના મોતને ૧૦ દિવસ થઇ ગયા છે. આ માટે હું પોલીસ અને સરકારનો આભાર માનું છું. હવે મારી પુત્રીના આત્માને શાંતિ મળશે. છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં આ મુદ્દો ચર્ચાઇ રહ્યો હતો અને હવે વિવાદાસ્પદ એન્કાઉન્ટરની ચર્ચા થવા લાગી છે.
કેટલીક સેલિબ્રિટીઓ અને રાજનેતાઓએ પોલીસની પ્રશંસા કરી છે જ્યારે ચેતવણીના અનેક સૂર પણ ઉઠ્યા છે. એક પૂર્વ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, લોકોના ગુસ્સાના જુવાળ સામે પોલીસ પાસે ઓછી પસંદગી બચી હતી. આંધ્રપ્રદેશના પૂર્વ ડીજીપી સ્વર્ણજીત સેને જણાવ્યું હતું કે, જોકે આ સંપૂર્ણ રીતે અવ્યવસાયિક છે પણ મારા મતે જેની આશા હતી તેવું જ થયું. હું જાણતો હતો કે કંઇક આવું જ થવા જઇ રહ્યું છે. બીજી તરફ વકીલ વૃન્દા ગ્રોવરે પોલીસ ફાયરિંગની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, આ અંગે ફરિયાદ દાખલ થવી જોઇએ. તેમણે કહ્યું કે, આ અસ્વીકાર્ય છે. આ રીતેની ન્યાયિક ખુશી મને નથી જોઇતી. આ એન્કાઉન્ટર મુદ્દે ન્યાયિક તપાસ થવી જોઇએ.

પશુ ચિકિત્સક રેપ-હત્યામાં
આરોપીઓની હત્યા મુદ્દે પોલીસ વિવાદમાં

(એજન્સી) સાયબરાબાદ, તા. ૬
સાયબરાબાદના પોલીસ કમિશનર વીસી સજ્જનારે જણાવ્યું છે કે, કાયદાએ તેની ફરજ નિભાવી છે. સાયબરાબાદમાં યુવા પશુ ચિકિત્સકના ગેંગરેપ બાદ હત્યાના ચાર આરોપીઓના એન્કાઉન્ટર બાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે, આરોપીઓએ પોલીસના હથિયાર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. સજ્જનારે જણાવ્યું કે, જ્યારે આરોપઓ હથિયાર છીનવીને ભાગવા લાગ્યા ત્યારે પોલીસે તેમને ચેતવણી પણ આપી હતી પણ તેની કોઇ અસર ના થઇ. તેમણે જણાવ્યું કે, ગોળીબારમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. સજ્જનારે માનવ અધિકાર પંચ અથવા સંગઠનના સવાલોના જવાબ અંગે સહજ રીતે જ કહ્યું કે, અમે દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છીએ. તેમણે એવું પણ જણાવ્યું કે, ચારેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
સજ્જનારે કહ્યું કે, આરોપીઓએ પહેલા અમારી પર પથ્થરમારો શરૂ કર્યો અને ધારદાર હથિયારથી હુમલો કર્યો બાદમાં હથિયાર છીનવી લીધા હતા. તેમણે કહ્યું કે, પોલીસે સતત તેમને ચેતવણી આપી અને આરોપીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. પોલીસની ૧૦ સભ્યોની ટીમમાંથી બેને ગંભીર ઇજાઓ થઇ છે પણ તેમને ગોળી વાગી નથી. હું એટલું જ કહીશ કે કાયદાએ તેની ફરજ પુરી કરી છે. આ સાથે જ અધિકારીએ પોલીસના દાવા સામે શંકાઓ ઉભી કરી છે. પોલીસે કહ્યું કે, આરોપીઓ મોહમ્મદ આરિફ(૨૬), જોલ્લુ શિવા(૨૦), જોલ્લુ નવીન(૨૦) અને ચિંતાકુંતા ચેન્નાકેશાવુલુ(૨૦)ને સવારે ૫.૪૫ વાગે રિકન્સ્ટ્રકશન માટે ઘટનાસ્થળે લઇ જવાયા હતા. ગયા અઠવાડિયે મહિલા સાથે રેપ અને હત્યાની ઘટના બની હતી તે જ સમયે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જવાયા હતા. સજ્જનારે કહ્યું કે, છેલ્લા ચાર દિવસની તપાસમાં ઘણી માહિતીઓ સામે આવી હતી જેના આધારે મહિલાનો મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ શોધવા માટે પોલીસની ટીમ આરોપીઓને લઇ ગઇ હતી. પોલીસના હથિયાર પહેલાથી જ અનલોક હોવાથી આરોપઓએ ફાયરિંગ કર્યું હતું. થોડી મિનિટોના સંઘર્ષ બાદ ચારેય આરોપીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મોહમ્મદ આરિફ અન ચેન્નાકેશાવુલુ પાસે હથિયારો હતા.

હૈદરાબાદ એન્કાઉન્ટર ન્યાયસંગત લાગી શકે પણ તે કેમ સારૂં નથી

(એજન્સી) તા.૬
લગભગ અઠવાડિયાથી ભભૂકી રહેલા રોષ, વિરોધ અને અપરાધીઓને લોકોની ભીડને હવાલે કરી દેવાના હિંસક આહ્વાનને અંતે એક સમાચાર આવ્યા કે હૈદરાબાદમાં તેલંગાણા પોલીસે શુક્રવારે ચારેય દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું. પોલીસે દાવો કર્યો કે આ ચારેય જણાં આશરે સાડા ત્રણ વાગ્યે છટકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ લોકોને દુષ્કર્મની ઘટનાનું સીન રિક્રિએટ કરવા માટે ઘટના સ્થળે લઈ જવાયા હતા પરંતુ ત્યાં ચારેય આરોપીઓએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો અને પોલીસ અધિકારીઓએ બચાવમાં આ લોકોને ઠાર માર્યા હતા. એક અજાણ્યા પોલીસ અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે આ માહિતી આપી હતી. જો કે, આ ઘટના દરમિયાન બે અન્ય લોકો પણ ઘવાયા હતા. આ ઘટના બાદથી પોલીસની ભરપૂર પ્રશંસા કરવામાં આવી રહી છે અને તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર ખુશીની લાગણી જોવા મળી રહી છે. પીડિત મહિલાના પાડોશીઓએ પોલીસકર્મીઓના હાથમાં રાખડી બાંધી હતી. ઘણાં લોકોને આ ન્યાય થયો હોવાનું લાગી રહ્યું છે. અનેક કેબિનેટમંત્રીઓ તરફથી પણ આ ઘટનાને સમર્થન અપાઈ રહ્યું છે. જો કે, અનેક લોકો છે જે આ ઘટનાક્રમ સામે સવાલો ઊભા કરી ચૂક્યા છે. આ ઘટનાને કારણે મહિલાઓ વિરૂદ્ધ થતાં ગુના અને તેના પર પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે. તેમાં મોટો સવાલ તો એ છે કે, એન્કાઉન્ટર કેમ ? પોતાનો બચાવ કરવાના નામે કોઈને મારી નખાયા કે શું ? આ એક પ્રકારે ન્યાયસંગત હોઈ શકે કે દુષ્કર્મીઓને મોતની સજા મળી પણ આ સજા એન્કાઉન્ટરની રીતે મળવી એ અયોગ્ય છે. જો આપણે જરૂરી જ હોય તો અપરાધીઓને તંત્રએ ત્વરિત સજા આપવી જોઈએ નહીં કે આવી રીતે. આપણને કેવી રીતે ખબર પડશે કે પોલીસે સાચા લોકોને પકડીને આ સજા આપી છે ?

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.