અમદાવાદ,તા. ૨૭
વડાપ્રધાનના સ્વચ્છતા એ જ સેવા અને તેમના સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા દેશવાસીઓને કરેલા અનુરોધને પગલે શહેરમાં નવા વાડજ વોર્ડમાં તેનો સૌથી પહેલો તાત્કાલિક અને અસરકારક અમલ જોવા મળ્યા બાદ હવે નારણપુરા વિધાનસભા મતવિસ્તારમાં પણ સફાઇ-સ્વચ્છતાની અમલવારી જોવા મળી હતી. સ્વચ્છતા અભિયાનના આ કાર્યક્રમમમાં ખુદ મેયર ગૌતમ શાહે પણ ઝાડુ લગાવ્યું હતુ. મેયરની સાથે નવા વાડજ વોર્ડના પ્રમુખ મહામંત્રી યુવા મોરચાના સંખ્યાબંધ કાર્યકરોએ જાહેરમાં રસ્તાઓ પર કચરો વાળી, ગંદકી-કૂડો ઉપાડી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો અને આ જાગૃતિ મારફતે લોકોને પણ વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનમાં સામેલ થવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. દરમિયાન આજરોજ નારણપુરા વિધાનસભા મતવિસ્તારમાં નવા વાડજ વોર્ડના ઔડા આવાસ, જય મહાદેવનગર સહિતના વિસ્તારમાં મેયર ગૌતમ શાહ તથા ભાજપના આગેવાનો અને યુવા મોરચાના સંખ્યાબંધ કાર્યકરોએ હાથમાં ઝાડુ લઇ સફાઇ અભિયાન હાથ ધર્યું હતું અને સ્થાનિક લોકોમાં તેમના વિસ્તાર, સોસાયટી અને મહોલ્લાને સ્વચ્છ અને ચોખ્ખા રાખવાનો સંક્લ્પ લેવડાવી લોકજાગૃતિ ફેલાવી હતી.