(એજન્સી) બેંગલુરૂ, તા. ૧૩
કર્ણાટકના મુખ્ય પ્રધાન બન્યાના થોડાક દિવસ બાદ એચડી કુમારસ્વામીએ ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિને કર્ણાટક આયોજન બોર્ડના વડા તરીકે નિયુક્ત કરવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી છે. કુમાર સ્વામીએ જણાવ્યું કે નારાયણ મૂર્તિને કર્ણાટક આયોજન બોર્ડના વડા નિયુક્ત કરવાથી કર્ણાટક સરકારની છબી વધુ ઉજ્જવળ બનશે અને રોકાણકારોને આકર્ષવામાં સહાયરૂપ થશે. કર્ણાટક આયોજન બોર્ડનું નેતૃત્વ કરનાર નારાયણ મૂર્તિ પ્રથમ ટેકનોક્રેટ અને છેલ્લા ૧૮ વર્ષમાં પ્રથમ પ્રોફેશનલ હશે. તેમણે એવું પણ જણાવ્યું કે બોર્ડની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે વિભિન્ન ક્ષેત્રોના અગ્રણી નિષ્ણાતોને બોર્ડના સભ્ય બનાવવાનો પણ તેમનો ઇરાદો છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કુશળ પ્રોફેશનલ્સની લેટરલ એન્ટ્રીની જાહેરાત કરવામાં આવ્યાના ગણતરીના દિવસોમાં જ કર્ણાટકના આયોજન બોર્ડના વડા તરીકે નારાયણ મૂર્તિની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકાર દ્વારા કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા જોઇન્ટ સેક્રેટરી લેવલના હોદ્દાએ નિષ્ણાતોથી ભરવા માટે તાજેતરમાં ૧૦ વિભાગોમાં અરજીઓ મંગાવવામાં આવી છે. કુમાર સ્વામીએ એવું પણ જણાવ્યું કે તેઓ એવું માને છે કે નાયબ ચેરમેન તરીકે મૂર્તિની નિયુક્તિ એવું સિગનલ આપશે કે સરકાર મૂર્તિની કુશળતા અને ઉંડા જ્ઞાનનો ઉપયોગ કરવા આતુર છે. નારાયણ મૂર્તિ માત્ર સરકારના એક સલાહકાર હશે નહીં પરંતુ સરકારમાં તેમનો એક હોદ્દો હોવાથી રાજ્યના વિકાસમાં પણ તેઓ એક ભાગીદાર બનશે.