(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
રાજસ્થાનની જોધપુર કોર્ટ દ્વારા યૌન શોષણ પ્રકરણમાં ગતરોજ આસારામને આજીવન કેદની સજા કરી હતી. આજે આસારામનો પુત્ર નારાયણ સાંઈને સુરતની બે સાધિકા બહેનો સાથે દુષ્કર્મ પ્રકરણમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં મીડિયા સમક્ષ નારાયણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સુરતની બે સાધિકાઓ સાથે દુષ્કર્મ પ્રકરણમાં છેલ્લા ચાર વર્ષથી નારાયણ સાંઈ લાજપોર જેલમાં છે. ગતરોજ નારાયણ સાંઈની કોર્ટમાં સુનાવણી હતી, પરંતુ જોધપુર કોર્ટ દ્વારા આસારામને બળાત્કાર પ્રકરણમાં દોષિત ઠરાવી આજીવન કેદની સજા સંભળાવી હતી તેથી શહેર પોલીસ દ્વારા સુરક્ષાનું કારણ આપીને ગતરોજ નારાયણ સાંઈને કોર્ટમાં રજૂ ન કરવા અરજી આપી હતી જે કોર્ટ દ્વારા ગ્રાહૃય રાખવામાં આવી હતી અને આજે ગુરૂવારે કોર્ટમાં સુનાવણી રાખી હતી. આજે સવારે ચાંપતા બંદોબસ્ત હેઠળ નારાયણ સાંઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુરતની બે સાધિકા બહેનો સાથે દુષ્કર્મની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. આ સુનાવણી લાંબા સમય સુધી ચાલે છે તેવી શક્યતા છે. ચાર વર્ષ દરમિયાન વખતો વખત નારાયણ સાંઈને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે ચોક્કસપણે પોતાની પ્રતિક્રયા મીડિયા સમક્ષ રજૂ કરતા હતા. ગતરોજ આસારામને દોષિત ઠેરવી આજીવન કેદની બાદ આજે નારાયણ સાંઈ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપી નથી મીડિયા સમક્ષ મૌન ધારણ કર્યું હતું.