(એજન્સી) તા.૧
વડાપ્રધાને કન્યાકુમારીમાં ભારતીય વાયુ સેનાના પાયલટ અભિનંદન વર્ધમાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશના દરેક વ્યક્તિને ગર્વ છે કે, બહાદૂર વિંગ કમાન્ડર તમિલનાડુનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર લક્ષ્યાંક સાધતા આક્ષેપ કર્યો હતો કે, તેઓ તેમના નિવેદનો દ્વારા પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે અને ભારતને નુકસાન પહોંચાડી રહ્યા છે. તમિલનાડુના કન્યાકુમારી ખાતે રેલીને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, “કમનસીબે કેટલીક પાર્ટીઓએ મોદી પ્રત્યેની નફરતના કારણે ભારત સાથે નફરત કરવાનું શરૂ કરી દીધુ છે. આતંકવાદ વિરોધી લડાઈમાં વિશ્વ આપણને સમર્થન આપી રહ્યું છે, પરંતુ કેટલીક પાર્ટીઓને આતંકવાદ વિરૂદ્ધ આપણી લડાઈ પર શંકા છે.” તમિલનાડુમાં પ્રથમ રેલી સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, “આ એ જ લોકો છે. જેમના નિવેદનોને પાકિસ્તાનની સંસદમાં અને પાકિસ્તાનના રેડિયો પર ખુશીથી ટાંકવામાં આવે છે. હું તેમને પ્રશ્ન કરવા માંગું છું કે, શું તમે સશસ્ત્ર દળોનું સમર્થન કરો છો કે, તેમના પર શંકા કરો છો ?”