(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા.૧૭ સપ્ટેમ્બરે જન્મદિન આવી રહ્યો હોઈ તેની ઉજવણીની સાથે સાથે કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ પણ ઓવરફલો થવા જઈ રહ્યો હોઈ બંને એક સાથે કરવાની ગુજરાતની ભાજપ સરકાર તથા સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ દિવસે વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાત લઈ કેવડિયા નર્મદા ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કરે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.૧૭મીએ કેવડિયા ખાતે મહાઆરતી અને નર્મદા નીરના વધામણા કરવાનું આયોજન કરાયું હોવાનું પણ જણાવ્યું હતું. ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠન ૧૭ સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદા બંધ ઓવરફલો થાય એટલે બેવડી ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ભાજપ પ્રદેશ કાર્યાલયે નેતાઓની બેઠકો શરૂ થઈ ગઈ છે. જયારે વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નર્મદા બંધની પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત સરકારનો પણ એવો પ્રયાસ છે કે, નર્મદા બંધ ૧૭મી સપ્ટેમ્બરના રોજ ઓવરફલો થાય જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નર્મદાનું સપનું તેમને જન્મ દિવસે જ પૂર્ણ થાય. નર્મદા બંધની ઓવરફલોની સાથે ગુજરાતની પાણીની સમસ્યાના નિવારણની ભેટ આપવા વડાપ્રધાન આ દિવસે માતા હીરાબાના પણ આશીર્વાદ લેવા જઈ શકે છે. વડાપ્રધાન મોદી જન્મ દિવસે થોડા સમય માટે પણ નર્મદા બંધની મુલાકાત લઈ શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી ૧૭ સપ્ટેમ્બરે નર્મદા ડેમના સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઈ રહ્યો છે. ત્યારે ૧૭ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મદિને સવારે ૧૦ઃ૦૦ કલાકે કેવડિયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા મહાઆરતી કાર્યક્રમો યોજાશે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મોદીના જન્મદિને સરદાર સરોવર સંપૂર્ણ પણે ભરાય જાય તેવી શકયતા છે. હાલમાં સરદાર સરોવરની સપાટી ૧૩૭.પ૮ મીટર છે.