અમદાવાદ, તા.૧
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ર ઓક્ટોબર ગાંધીજ્યંતિ નિમિત્તે ખાસ અમદાવાદ આવી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે. આ દિવસે વડાપ્રધાન સમગ્ર દેશને ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે. સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત અને વિવિધ રાજ્યોના ર૦ હજારથી વધુ સરપંચોના યોજાનાર મહાસંમેલનમાં વડાપ્રધાન આ જાહેરાત કરશે. વડાપ્રધાન ૧પ૦મી ગાંધીજ્યંતિ નિમિત્તે આવતીકાલે સાંજે પ.૪પ કલાકે અમદાવાદ આવી પહોંચશે. જ્યાં અમદાવાદ એરપોર્ટ બહારના મેદાનમાં કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન સત્કાર સમારોહ યોજવામાં આવ્યો છે. ત્યારબાદ સાંજે ૬૩૦થી ૬.પ૦ કલાક દરમ્યાન ગાંધીઆશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ વડાપ્રધાન સાંજે ૭થી ૮.ર૦ કલાક સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ-ર૦૧૯ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવાના છે. વડાપ્રધાન રાત્રે ૮.૩૦ કલાકે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થઈ શેરી ગરબા નિહાળશે. તેઓ રાત્રે ૯.૩૦ કલાકે નવી દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાન સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે અને હૃદયકુંજ સહિત ગાંધીઆશ્રમના વિવિધ સ્થળોની પણ મુલાકાત કરશે. આ વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમડળના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર સરપંચ સંમેલનમાં ગુજરાત ૧૦,૦૦૦ સરપંચો તથા ઉત્તરપ્રદેશ બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ હરીયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ૧૦,૦૦૦ સરપંચો મળી કુલ ર૦,૦૦૦ સરપંચો ભાગ લેનાર છે. ઉપરાંત સ્વચ્છતાગ્રહી સ્વ.સહાય જૂથ યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો મહિલા ચેમ્પિયન કુલ પ્રતિનિધિઓના ૬૦ ટકાથી વધુ બહેનો ભાગ લે તે માટે અગ્રીમતા પણ અપાઈ છે. તા.રજી ઓક્ટોબર દેશભરમાં સ્વચ્છતા દિન તરીકે ઉજવાશે.