લખનઉ,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ કે જે ભાજપના વરિષ્ઠ નેતા સ્વ.અટલબિહારી વાજપેયીની કર્મ ભૂમિ રહી છે ત્યાંના લોકભવનમાં વાજપેયીની ૨૫ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભાજપની યોગી સરકારની પ્રશંસા પણ કરી હતી. લખનૌમાં વડાપ્રધાન મોદીએ કલમ-૩૭૦, રામજન્મભૂમિના નિર્ણય અને નાગરિકતા સુધારો અધિનિયમ પર પણ વાત કરી હતી. નાગરિકતા કાયદાના વિરોધમાં યુપીમાં થયેલી હિંસા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હિંસા આચરનારાઓને આડે હાથે લઇને પ્રહારો કર્યા હતા અને અફવાઓથી દૂર રહીને નાગરિકોએ તેમની જવાબદારી તેમજ અધિકાર પૂરા કરવા જોઈએ અને સંપત્તિને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ, એવી શિખામણ પણ આપી હતી.
વડાપ્રધાને કહ્યું કે, અટલ સિદ્ધિની ભૂમિથી હું યુપીના દરેક યુવાન નાગરિકને વિનંતી કરવા આવ્યો છું. આઝાદી બાદથી, આપણે અધિકારો પર સૌથી વધુ ભાર મૂક્યો છે. પરંતુ હવે સમયની આવશ્યકતા ફરજો ઉપર પણ ભાર મૂકવાની છે. યુપીમાં, જે રીતે કેટલાક લોકોએ સીએએના વિરોધના નામે હિંસા કરી, તેઓએ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. એકવાર તેઓએ પોતાને પૂછ્યું હતું કે શું તેમનો રસ્તો સાચો છે…? હિંસા આચરનારાઓએ જે બાળ્યું હતું તે તેમના બાળકો માટે કામમાં નહીં આવે.
તમારે હિંસામાં મરી ગયેલા લોકોના પરિવાર વિશે વિચારવું જોઈએ, જે ઘાયલ થયા છે તેમનો વિચાર કરવો જોઇતો હતો.. હું વિનંતી કરીશ કે નાગરિકોને માર્ગ-પરિવહન પ્રણાલીનો અધિકાર છે, તો તેને સુરક્ષિત રાખવી એ પણ તમારી જવાબદારી છે. અધિકાર અને જવાબદારીઓ સાથે રાખવી મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીએ કહ્યું કે, સરકાર માટે જવાબદારીની ભાવના જરૂરી છે, માત્ર પાંચ વર્ષ સુધી જ નહીં પણ નાગરિકોના હિતમાં આગામી પેઢી માટે પણ કામ કરવાનું અમારી જવાબદારી છે. યુપી સરકાર પોતાની જવાબદારી પૂરી કરવા પ્રયાસ કરી રહી છે. તેનો અર્થ છે સુશાસન, જે અટલજીને સાચી શ્રદ્ધાંજલિ આપશે.