(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૭
ભારતમાં વર્ષે ર૦૧૦માં વાઘની સંખ્યા ૧૪૧૧ હતી. વર્ષ ર૦રર સુધીમાં આ સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારીત કરાયું હતું. પરંતુ નિર્ધારીત સમય પહેલા જ હાલ દેશમાં વાઘની સંખ્યા ર૯૬૭ થઈ છે. એટલે ભારતમાં નિર્ધારીત સમય પહેલાં જ વાઘની સંખ્યા બમણી થઈ ગઈ છે. જયારે ભારતમાં માઈક્રો પ્લાસ્ટીકના કારણે ફેલાતા પ્રદૂષણોને નાથવા દરિયાઈ કાચબા નીતિ અને દરિયાઈ સ્થાયી વ્યવસ્થાપન નીતિ આ વર્ષે જ અમલમાં લાવવામાં આવશે. એમ ગાંધીનગર ખાતે સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણની ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનો વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓની પ્રજાતિઓના સંરક્ષણ માટેની ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર ખાતે શુભારંભ કરાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં સૌથી વધુ જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાંથી એક છે. દુનિયામાં કુલ ભૂમિ વિસ્તારમાંથી ર.૪ ટકા હિસ્સા સાથે ભારત વૈશ્વિક જૈવ વિવિધતામાં અંદાજે ૮ ટકા જેટલુ યોગદાન આપે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાચીનકાળથી વન્ય જીવોનું સંરક્ષણ અને આવાસ ભારતની સાંસ્કૃતિક નીતિનો હિસ્સો રહ્યા છે જે કરૂણાભાવ અને સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. પ્રધાનમંત્રીએ ભારતમાં વન્ય આવરણમાં વધારો કરવાની જરૂર હોવાનું કહ્યું હતું. હાલમાં દેશમાં કુલ ભૌગોલિક વિસ્તારમાંથી ર૧.૬૭ ટકા વિસ્તારમાં વન્ય આવરણ છે. ભારત કેવી રીતે સંરક્ષણ, અનુકૂળ જીવનશૈલી અને હરિત વિકાસ મોડેલ દ્વારા કલાઈમેટ એકશનને સમર્થન આપે છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સંદર્ભમાં કહ્યું હતું કે, આ માટે ઈલેકિટ્રક વાહનો, સ્માર્ટ સિટી અને જળ સંરક્ષણ માટે આગ્રહ કરવામાં આવે છે. ભારત એવા કેટલાક દેશોમાંથી એક છે જેની કામગીરી તાપમાનમાં ર ડિગ્રી સેલ્સિયસ ઓછી વૃદ્વિના પેરિસ સમજુતીના લક્ષ્યને અનુરૂપ છે. પ્રધાનમંત્રીએ ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ પર કેન્દ્રીત કાર્યક્રમોથી કેવા પરિણામો પ્રાપ્ત થયા છે તેનું વર્ણન કર્યું હતું. તેમણે અવલોકન કર્યું હતું કે, વર્ષ ર૦૧૦માં ભારતમાં વાઘની સંખ્યા ૧૪૧૧ હતી જે ર૦રર સુધીમાં બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારીત સમય પહેલા હાંસલ થઈ ગયું છે. સંમેલનમાં ઉપસ્થિત ટાઈગર રેન્જ દેશો અને અન્ય દેશોને તેમણે સીમાચિહ્યરૂપ પ્રવૃતિઓનું આદાનપ્રદાન કરીને વાઘના સંરક્ષણની કામગીરી વધુ મજબુત કરવાની અપીલ કરી હતી. એશિયાઈ હાથીઓના સંરક્ષણ માટે ભારત દ્વારા હાથ ધરાયેલી પહેલ વિશે તેમણે જણાવ્યું હતું. તેમણે હીમપ્રદેશના દીપડા, એશિયાઈ સિંહ, એક શ્રૃંગી ગેંડા અને ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે કેવા પ્રયાસો હાથ ધરવા તે વિશે પણ જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે આ સમિટનું મેસ્કોટ ગિબિ-ધ ગ્રેટએ ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડને સમર્પિત છે. તેમણે જણાવ્યું હતું કે, અતિથિ દેવો ભવઃનો મંત્ર સીએમએસ સીઓપી ૧૩ : સ્થળાંતર કરતી પ્રજાતિઓની પૃથ્વીને સાંકળે છે અને અમે તેમને અમારા ઘરમાં આવકારીએ છીએની થીમમાં પ્રતિત થાય છે. આગામી ત્રણ વર્ષ સુધી આ સંમેલનનું અધ્યક્ષપદ ભારત સંભાળશે ત્યારે તેમણે ભારતના કેટલાક પ્રાથમિકતાના ક્ષેત્રો વિશે પણ વિસ્તૃત વર્ણન કર્યું હતું.