અમદાવાદ,તા.રર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ-ગુજરાત મુલાકાત આડે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે મોંઘેરા મહેમાનને આવકારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૨૩મીની સાંજે અમદાવાદ પહોંચે તેમ છે. તેઓ ૨૩મીએ અમદાવાદ આવીને ટ્રમ્પની મુલાકાતના સંદર્ભમાં ઉચ્ચ સ્તરિય બેઠક યોજીને તેમાં સુરક્ષા સંબંધિત તમામ જાણકારી મેળવીને મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ સાથે રોલિંગ મંચ પરના સંબોધન સહિત આખા કાર્યક્રમની માહિતી મેળવીને જ્યાં યોગ્ય લાગશે ત્યાં માર્ગદર્શન પણ આપે તેમ છે. સુરક્ષા સંબંધિત આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે. બેઠકમાં ૨૪મીએ ટ્રમ્પના આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત માટેના નામો અને જેના પર ટ્રમ્પ બધો આધાર રાખી રહ્યાં છે તે ૧૧ કિ.મી. કરતાં લાંબા રોડ શો-સાસ્કૃતિક કાર્યક્રમોની વિગતો પણ મેળવીને સમીક્ષા હાથ ધરશે. સૂત્રોએ કહ્યું કે ભારતની મુલાકાત વખતે દિલ્હી જવાને બદલે મહાનુભાવો સીધા અમદાવાદ અને ગુજરાત આવ્યાં હોય તેમાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ પણ ઉમેરાયું છે. તેઓ ૨૪મીએ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચશે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યાં છે નાગરિક અભિવાદન સમિતિના ચેરપર્સન અને મેયર બિજલ પટેલ પણ તેમનું સ્વાગત કરશે. દુનિયાના શક્તિશાળી દેશના વડા કે જેઓ ઇરાન અને ઇરાકના નિશાન પર છે તે ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાશ ના રહી જાય અને રોડ શો દરમ્યાન વિરોધીઓ દ્વારા કોઇ પણ પ્રકારનો વિરોધનો કાંકરીચાળો ના થાય તેની તકેદારી માટેના તમામ પગલાઓની સમીક્ષા માટે વડાપ્રધાન ટ્રમ્પના આગમનના એક દિવસ પહેલાં ૨૩મીની સાંજે અમદાવાદ પહોંચશે.
જીએસટીના વિરોધી વેપારી પરિબળો, કોંગ્રેસ કે કોઇ તોફાની તત્વો દ્વારા રોડ શો વખતે ભીડમાંથી કોઇ કાફલા પર કે કાફલા પહેલા કે કાફલો પસાર થયા બાદ ગરબડ પેદા ના કરે તેની વિચારણા અને વ્યૂહાત્મક પગલાઓ વિચારવામાં આવશે. ભાજપને બીક છે કે ભીડમાંથી કાફલો પસાર થતી વખતે એક પણ કાળુ કપડુ કે કાળો ઝંડો બતાવવામાં આવે તો મિડિયા દ્વારા વિશ્વભરમાં તેની નોંધ લેવાય અને સરકારની નામોશી થઇ શકે. તેથી આઇબી દ્વારા કરાયેલી કામગીરીની પણ સમીક્ષા હાથ ધરાય તેમ છે.
દરમ્યાન, ટ્રમ્પ પોતાના પરિવાર અને અધિકારીઓ સાથે ૨૪મીએ એરફોર્સ વન નામના ખાસ વિમાનમાં આવી પહોંચશે. તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લઇને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે. અને અમદાવાદથી સીધા આગરા માટે રવાના થશે. સૂત્રોએ વધુમાં કહ્યું કે અમદાવાદ અને અન્યત્ર ટ્રમ્પ અને પરિવાર ૫ ટિયર સુરક્ષા ઘેરામાં રહેશે. ૩૬ કલાકની તેમની અમદાવાદ મુલાકાતની સુરક્ષા માટે અંદાજે કમ સે કમ રૂા. ૧૦૦ કરોડનો ખર્ચ થઇ રહ્યો છે. તેથી સ્પષ્ટ છે કે, દરેક સેકન્ડે દરેક પગલે દુનિયાની તેમની પર નજર રહેતી હોય છે. આ વખતે આ નજર ડોનાલ્ડ ટ્રમ્પ પર છે. કારણ છે તેમની વોશિંગ્ટનથી ૧૨ હજાર કિમી દૂર ભારતની ૩૬ કલાકની મુલાકાત. જો કે તેની તૈયારી પણ એ કક્ષાની જ કરવામાં આવી છે. ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશ્નર દરેક ક્ષણે ૫ ટિયર સુરક્ષાના ઘેરામાં રહેશે. તેમને મોટેરા સ્ટેડિયમથી પરત એરપોર્ટ અને આગ્રા એરપોર્ટથી તાજમહેલ લઈ જવા સુધી ખાસ હેલિકોપ્ટર મરીન વન અને વિશ્વની ઉચ્ચતમ સુરક્ષા વાળી કાર કેડેલિક (બીસ્ટ) પણ અમદાવાદ પહોંચી ગઇ છે. અને રિહર્સલ પણ થઇ રહ્યું છે. અમેરિકાના પ્રથમ પરિવારની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અમેરિકન સિક્રેટ સર્વિસને સોંપવામાં આવી છે.