(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર પાઠવીને પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન ઇમરાનખાનને શુભેચ્છા પાઠવી છે પરંતુ પત્રમાં બંને દેશો વચ્ચે મંત્રણાનો પ્રસ્તાવ નથી. અગાઉ, ઇમરાનખાને પોતાના પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધનમાં પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાની વાત કહી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને પોતાના બધા પાડોશીઓ સાથે ‘શ્રેષ્ઠ સંબંધો’ રાખવાની દિશામાં કામ કરવું પડશે કારણ કે તેના વગર દેશમાં શાંતિ સ્થાપવાનું શક્ય હશે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ ઇમરાનખાનને પીએમ મોદી દ્વારા પત્ર પાઠવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાનને લાગે છે કે ભારતના પીએમ તરફથી મંત્રણા શરૂ કરવાના સંદેશ આપવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ ઇમરાનખાનને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે અમે પાડોશી દેશો સાથે સારા સંબંધોના હિમાયતી છીએ. આપણે બંને દેશો વચ્ચે સર્જનાત્મક અને સાર્થક સંબંધોની દિશામાં જોવું જોઇએ.