(એજન્સી) જયપુર, તા.રપ
રાજસ્થાનમાં અકબરખાનની ટોળા દ્વારા હત્યા બાદ આ મુદ્દાએ આખરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાનું માનવું છે કે, અકબરનું મોત પોલીસ હિરાસતમાં થયું હતું. આ પહેલાં શનિવારે અલવરમાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા માર મરાયા બાદ અકબરની હાલત ગંભીર થયા બાદ મૃત્યુના અહેવાલો આવ્યા હતા. કટારિયાએ આ મુદ્દે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાક્રમ બાદ હવે મુસ્લિમોએ ગાય નહીં પાળવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવાંડામાં ગ્રામીણોને મંગળવારે ર૦૦ ગાયો દાનમાં આપી હતી. તેમણે ગરીબી દૂર કરવા અને બાળકુપોષણને પહોંચી વળવા દેશના રાષ્ટ્રપતિ પોલ કાગમેના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ ‘ગિરિનકા’ની તરીફ પણ કરી હતી. જેનો ઉદ્દેશ્ય દરેક ગરીબ પરિવારને એક ગાય આપવાનો છે. વડાપ્રધાને રવેસ ગામમાં આયોજિત કાર્યક્રમમાં આ ગાયો દાન કરી હતી.
આ મુદ્દે દેશમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. એક ટ્‌વીટર ઉપયોગકર્તાએ લખ્યું કે, “મોદીજી ર૦૦ ગાય લઈને બીજા દેશ જઈ શકે છે. પરંતુ એક મુસ્લિમ એક ગાયને લઈ બીજા ગામ નથી જઈ શકતો.” આ બંને વાતોમાં એક જ ભેદ છે. વિદેશ લઈ જનાર હિન્દુ છે, પરંતુ ગામ લઈ જનાર મુસ્લિમ. એનો અર્થ એ કે ગુંડાઓ મુસ્લિમોને નિશાન બનાવી રહ્યા છે. જેથી સંઘ સત્તામાં ટકી રહે” અન્ય એક યુઝરે લખ્યું છે કે, ભારતમાં એક ઘરેથી બીજા ઘર સુધી ગાય લઈ જવાને ‘ગૌતસ્કરી’ કહેવાય છે. એક દેશથી બીજા દેશ ર૦૦ ગાય લઈ જનારને શું કહેશો ? તે ગાયને કાપીને ખાઈ જશે તેવું માની લેવામાં આવે છે. તો રવાંડામાં શું આરતી ઉતારશે ? લોકો ગૌરક્ષકો પર કટાક્ષ કરી રહ્યા છે કે, વડાપ્રધાન તેમની ગૌમાતાને વિદેશ લઈ ગયા તેનું શું ?