(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
મહારાષ્ટ્રમાં સત્તા હાંસલ કરવા માટે બિન-ભાજપ ગઠબંધન બનાવવાના શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી દ્વારા શક્ય બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં એનસીપીની પ્રશંસા કરી છે. સંસદના ઉપલાગૃહ કે રાજ્યસભાના ૨૫૦માં સત્ર મનાવવાના પ્રસંગે હાથ ધરવામાં આવેલી ખાસ ચર્ચામાં બોલતા પીએમ મોદીએ એનસીપીના વખાણ કર્યા છે. ચર્ચાની શરૂઆત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે હું આજે બે પાર્ટી – એનસીપી અને બીજેડી (નવીન પટનાયકના બીજુ જનતા દળ)ની પ્રશંસા કરવા માગું છું. આ બંને પક્ષોએ સંસદના નિયમોનું સુંદર રીતે પાલન કર્યું છે. બંને પક્ષોના સભ્યો ક્યારે વિરોધ કરવા માટે ગૃહના મધ્યમાં ધસી આવ્યા નથી અને પોતાના મુદ્દાઓની અસરકારક રીતે રજૂઆત કરી છે. વડાપ્રધાને એવું પણ કહ્યું કે મારા પક્ષ (ભાજપ) સહિત દરેક રાજકીય પક્ષે તેમની પાસેથી શિખામણ લેવી જોઇએ. સંસદમાં વિપક્ષના સભ્યો દ્વારા વિરોધ વ્યક્ત કરવા માટે ગૃહના મધ્યમાં ધસી આવીને નારેબાજી કરવાના સંદર્ભમાં વડાપ્રધાને આ વાત કહી છે. તેમણે કહ્યું કે ગૃહના મધ્યમાં ધસી આવ્યા વગર પણ રાજકીય વિકાસ થઇ શકે છે. બંને પક્ષોના વખાણ કરતા વડાપ્રધાને એવું પણ કહ્યું કે એનસીપી અને બીજેડીએ પોતે જ નક્કી કર્યું છે કે તેમના સભ્યો ગૃહના મધ્યમાં ધસી જશે નહીં તેમણે એવું પણ કહ્યું કે એવું નથી કે ગૃહના મધ્યમાં નહીં ધસી આવવાને કારણે આ બંને પક્ષોનો રાજકીય વિકાસ અટકી ગયો છે. એવું નહીં કરીને તેમના રાજકીય વિકાસની યાત્રા રોકાઇ નથી. તેમણે કહ્યું કે ભાજપ વિપક્ષમાં હતો ત્યારે ભાજપના સભ્યો પણ એવું જ કરતા હતા.