નવી દિલ્હી, તા. ૨૭
રાજદના પ્રમુખ લાલુ યાદવે વીઆઇપી સલામતી પરત ખેંચવા અંગે તેજપ્રતાપના નરેન્દ્ર મોદીની જીવતા જ ચામડી કાઢી લેવાની ધમકીભર્યા નિવેદનનો બચાવ કરતા જણાવ્યું હતું કે, તેણે ષડયંત્રની જાણ થયા બાદ આવી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઉમેર્યું કે કોઇ પુત્રને જાણ થાય કે, તેના પિતાની સલામતી કોઇ ષડયંત્રને કારણે હટાવી લેવામાં આવી છે તો તેની પ્રતિક્રિયા કેવી હશે. જોકે, તેમણે કહ્યું કે, આવી પ્રતિક્રિયાનું હું સમર્થન કરતો નથી. મેં તેને સલાહ આપી છે કે, તેમના વિરૂદ્ધ આવું નિવેદન ન આપે. લાલુપ્રસાદે જણાવ્યું કે, વીઆઇપી સલામતી ખસેડી લેવાથી હું ડરતો નથી. જો નરેન્દ્ર મોદી સમજે છે કે, હું ડરી જઇશ તો હું ડરવાનો નથી. બિહારના બાળકો સહિત તમામ લોકો મારી સુરક્ષા કરશે. આ પહેલા સોમવારે જ તેજપ્રતાપના વીડિયોમાં દેખાડવામાં આવ્યું હતું કે, આ હત્યા કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તેમને અમે જડબાતોડ જવાબ આપીશું. નરેન્દ્ર મોદીજીની ચામડી ઉધેડી નાખીશ. તેજપ્રતાપનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે લાલુ પ્રસાદની વીઆઇપી સિક્યુરિટી હટાવી લેવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, જો મારા પિતાને કાંઇ થશે તો તેના જવાબદાર પીએમ મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર હશે.