(એજન્સી)
નવી દિલ્હી,તા.૧ર
દિલ્હીના મહરૌલીથી આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોળીબારની ઘટનામાં આપના એક કાર્યકર્તા અશોક માનનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શખ્સ ઘાયલ થયો છે. આપના ધારાસભ્ય જ્યારે મંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર ગોળીબાર કરવામાં આવ્યો. જણાવાઈ રહ્યું છે કે આપના ધારાસભ્યના કાફલા પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આપ નેતા સંજયસિંહે આ ઘટના વિશે ટ્‌વીટ કર્યું. સંજયસિંહે ટવીટમાં લખ્યું કે, મહરૌલીના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો, અશોક માનની જાહેરમાં હત્યા, આ છે દિલ્હીમાં કાયદાનું રાજ, મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા નરેશ યાદવ.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો મુજબ, નરેશ યાદવે આ વખતે પોતાના નજીકના હરીફ ભાજપા ઉમેદવાર કુસુમ ખત્રીને ૧૮ હજારથી વધુ મતોથી હરાવીને વિજય મેળવ્યો છે. વિજય બાદ નરેશ મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પોતાના કાફલા સાથે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના ૧૦-૩૦ કલાકે અચાનક હુમલાખોરોએ ચાર વખત ગોળી ચલાવી તે સમયે ધારાસભ્ય ઓપન કારમાં હતા. આ હુમલા બાદ નવા ચૂંટાયેલા ધારાસભ્યના કાફલામાં હડકંપ મચી જવા પામ્યો હતો. ધારાસભ્ય તો આ હુમલામાં બચી ગયા, પરંતુ પાર્ટીના એક કાર્યકર્તા અશોક માનને ગોળી વાગતાં તેનું મોત નીપજ્યું. આ હુમલા બાદ ધારાસભ્યએ મીડિયા કર્મીઓને જણાવ્યું કે, આ ઘટના ઘટી તે સમયે આપના કાર્યકર્તાઓ વિજયની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા અને તેઓ ફટાકડા ફોડી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જો પોલીસ તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાની યોગ્ય તપાસ કરશે, તો તમામ હુમલાખોરો પકડાઈ જશે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમના એડિશનલ ડીસીપી, ઈંગિત પ્રતાપસિંહે બુધવારે મીડિયાને જાણકારી આપી કે, આ હુમલામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નિશાન પર નહોતા. દિલ્હી પોલીસે આ હુમલા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ગુનેગારોના નિશાન પર પાર્ટીના કાર્યકર્તા હતા, જેનું આ હુમલામાં મોત નિપજ્યું છે. પોલીસે જણાવ્યું છે કે, એફઆઈઆર દાખલ કરાવાયા બાદ, આ હુમલાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ હુમલામાં એક ગુનેગારની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે.