(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા. ૩
અમરેલીમાં હાલમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરના કામોથી અને થોડા દિવસથી શહેરમાં પડી રહેલ ઝરમર વરસાદના કારણે શહેર આખામાં કીચડના કારણે નરકાગાર સ્થિતિનું નિર્માણ થયું છેે. વૃદ્ધો મહિલાઓ અને બાળકોને શહેરમાં ચાલવું મુશ્કેલ થયેલ છે. દ્વિચક્રી વાહનો લઈને નીકળતા લોકો આ કીચડમાં સ્લીપ થઇ પડતા હાથ-પગ ભાંગવાના પણ અસંખ્ય બનાવ બની ચુક્યા, ત્યારે તંત્રના બાબુઓને શહેરનું આ દૃશ્ય કદાચ જોવા નહીં મળતું હોઈ કેમકે તેવો કારમાં અવરજવર કરતા હોવાથી તેમને આ સમસ્યાનો એહસાશ થતો નથી.
અમરેલીમાં શહેરમાં કેટલાક સમયથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હોઈ અને જેસીબી મશીનો દ્વારા શહેરના દરેક વિસ્તારના રોડ ખોદી બાદમાં તે રોડ ઉપર સંપૂર્ણ રીતે માટી ના પૂરતા હોવાંથી રોડમાં ખાડા તેમજ ઢોરા થઇ ગયેલ છે. એક સપ્તાહથી શહેરમાં ઝરમર વરસાદ વર્ષી રહ્યો હોઈ જેના કારણે શહેરમાં કીચડ અને રબડી થઇ જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, શહેરમાં શાળાએ જતા નાના બાળકો તેમજ વૃદ્ધો મહિલાઓને શહેરના આવા રોડ ઉપરથી ચાલવું મુશ્કેલ થયેલ છે.
શહેરમાં જાણે “અંધેરી નગરી ગંડુ રાજા” જેવી સ્થિતિ હાલમાં જોવા મળે છે કારણ કે પ્રજા પણ ચૂપ છે અને રાજકીય આગેવાનો પણ ચૂપ છે અને શહેરના અધિકારીઓ પણ આ નર્કાગાર સ્થિતિ જાણી જોઈને નજરઅંદાજ કરી રહ્યા છે. શહેરમાં કીચડના કારણે અસંખ્ય લોકો સ્લીપ થઇ પડી ગયેલ હોવાના બનાવ બનેલ છે અને તેમના હાથ અને પગ તૂટ્યા હોવાના બનાવ બનેલ છે અને આવી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ લોકો પાસે હાથ પગ તૂટ્યાની સારવાર કરવાના પૈસા પણ હોતા નથી
ત્યારે નગરપાલિકા દ્વારા આવા રોડ રસ્તા ઉપરના ખાડા તેમજ ઢોરાં નું લેવલ સરખું કરી કપચી માટી, મોરમ પાથરી શહેરના લોકોની સમસ્યા હાલ કરે તેવી પણ લોક માંગણી ઉઠવા પામી છે.