(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૧૦
ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ૩ર ફૂટની સપાટી વટાવતા ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં પાણી પ્રવેશી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સરદાર સરોવર ડેમમાંથી ૧૦ લાખ ક્યુસેક પાણી છોડતા ભરૂચની નર્મદા નદીમાં ભયંકર પૂર આવ્યું છે. ચોથી વખત નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. જ્યારે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ૩ર ફૂટની સપાટીને પાર કરતાં ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારાના રર ગામોમાં પાણી પ્રવેશી ગયા છે. જિલ્લામાં ૯પ૦થી વધુ ગ્રામજનોને ઢોર-ઢાંકર સાથે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે નર્મદા નદીના પૂરના પાણી ભરૂચ શહેરના ફુરજા બજાર, ફુરજા બંદર, ફુરજા ઝૂંપડપટ્ટી સહિતના નવચોકી ઓપરા વિસ્તારમાં પ્રવેશી ગયા છે. જેમાં પણ ફુરજા બજારમાં હાલ પાંચથી સાત ફૂટ નદીના પાણી પ્રવેશી જતા હવે ફુરજા વિસ્તારમાં નાવડીઓ ફરતી થઈ છે. જ્યારે લોકો હવે ફુરજા ચાર રસ્તાથી ફાટા તળાવ વેજલપુર અને દરવાજા વિસ્તારમાં જવા માટે પાંચ ફૂટ પાણીમાં થઈને જાય છે. જ્યારે ફુરજા વિસ્તારના ગરીબ પરિવારને હાલ જમવાની કોઈ વ્યવસ્થા નથી તેવું લોકો કહી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર નગરપાલિકાનું તંત્ર કે જિલ્લા કલેક્ટરનું તંત્ર જોવા સુદ્ધા આવ્યું નથી. લોકોની ખબર નહીં લેતા લોકો રોષમાં છે. જ્યારે અહીં સ્થાપના કરાયેલા તાજિયાઓને પણ સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. રસ્તા ઉપરથી તાજિયાનું જુલૂસ નિકળવાનું હતુ. પરંતુ હવે કતોપાર દરવાજાના મેદાનમાં જ તાજિયા ઊભા રાખવાની સુચના તાજિયા કમિટીના પ્રમુખ ફહીમભાઈએ આપી છે. જ્યારે નદીમાં પાણી હોવાથી આવતીકાલે તાજિયા ઠંડા કરવામાં પણ વિઘ્ન ઊભું થશે તેવું લાગી રહ્યું છે.
તો બીજી તરફ પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ કહ્યું છે કે પાલિકાનું તંત્ર સાબદું છે. ચાર રેસ્ક્યુ સેન્ટર બનાવ્યા છે. જેમાં ફુરજા નજીક, કલક વિસ્તાર, નવચોકી ઓપરા નજીક રેસ્ક્યુ કેમ્પ બનાવ્યા છે. ૭૦૦ માણસોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જ્યારે જિલ્લા કલેક્ટર એમ.ડી. મોડિયાએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. વહીવટીતંત્ર સાબદું છે. એનડીઆરએફની બે ટીમ સ્ટેન્ડ બાય છે. લોકોએ અફવાથી ડરવું નહીં તેમ જણાવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના ૧૩ ગામોને એલર્ટ કરાયા ૪૦૦થી વધુ લોકોનું સ્થળાંતર
અંકલેશ્વર તાલુકાના ૧૩ જેટલા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારી રમેશ ભગોરાની અધ્યક્ષતા હેઠળની વિવિધ ટીમો નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે, વધુ ૧૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા વહીવટી તંત્ર કાંઠા વિસ્તારના ગામોના ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી આરંભી છે. તાલુકાના જુના ધંતુરીયા સરફુદ્દીન, ખાલપીયા જુના છાપરા અને બોરભાઠા બેટ ગામના ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ઝઘડિયા તાલુકાના ૬૧ અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડાયા
ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં પુરના પાણી પ્રવેશી જતા ઝઘડિયા મામલતદાર રાજવંશી અને રાજપારડી પીએસઆઇ જાદવે સ્ટાફ સાથે આ પુરગ્રસ્ત ૫ ગામોના ૬૧ જેટલા અસરગ્રસ્ત પરિવારોને અવિધા અને ભાલોદ ખાતે ઉભા કરાયેલા રાહત કેમ્પોમાં ખસેડ્યા હતા.