(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૦
નર્મદા ડેમના પાણીના પ્રશ્ને રાજકીય યુદ્ધ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાણી પ્રશ્ને ગુજરાત અને મધ્યપ્રદેશની સરકાર આમને-સામને આવી ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીના નર્મદાના પાણી મુદ્દે આવેલા નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મધ્યપ્રદેશના સી.એમ. અને મંત્રીને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, નર્મદાના પાણી પ્રશ્ને રાજકારણ ન કરે. તેમણે વધુમાં કહ્યું કે, તેઓના નિવેદનો અત્યંત કમનસીબ, માહિતીના અભાવવાળા અને રાજકીય બદઈરાદાથી પ્રેરિત છે. હતાશ અને નિરાશ કોંગ્રેસ તથા તેની સરકારો રાજકીય વૃત્તિથી આવા નિવેદનો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
વિજય રૂપાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને માહિતીના અભાવવાળા બાલિશ નિવેદનો ન કરવાની અને પાણી જેવા મહત્વના પ્રશ્ને રાજકારણ ન કરવાની સલાહ આપતા પાણી વહેંચણી અંગે હકીકતલક્ષી સ્પષ્ટતાઓ પણ પ્રચાર માધ્યમો સમક્ષ કરી હતી.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કર્યું કે, નર્મદાના પાણીની વહેંચણી ચાર ભાગીદાર રાજ્યો વચ્ચે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ટ્રિબ્યુનલના ૧૯૭૯ના ચુકાદાના આધારે જ થઈ રહી છે અને તેમાં ફેરફાર કરવાનો કોઈ રાજ્યને અધિકાર નથી. એટલું જ નહીં, એનસીએને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે પાણીની આ વહેંચણીમાં ૨૦૨૪ સુધી કોઇ ફેરફાર થઈ શકે નહીં.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ અંગેની પુનઃ વિચારણા માટે પણ નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી અને ચારેય ભાગીદાર રાજ્યોના પ્રતિનિધિ, કેન્દ્ર સરકારના પ્રતિનિધિની સંયુક્ત બેઠક મળે અને તેમાં નિર્ણય થાય તેવી પણ સ્પષ્ટ જોગવાઇ છે, એટલે મધ્યપ્રદેશ પાણી નહીં છોડે તેવું સંપૂર્ણ બાલિશ નિવેદન છે. વિજય રૂપાણીએ ગુજરાત નર્મદા જળથી વીજ ઉત્પાદન કરતું નથી અને મધ્યપ્રદેશને સહન કરવું પડે છે તેવા મધ્યપ્રદેશના આક્ષેપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. તેમણે આ અંગે પણ હકીકતો સાથે જણાવ્યું કે નર્મદાના કેનાલ હેડ પાવર હાઉસથી ૨૫૦ મેગાવોટ વીજ ઉત્પાદન ચાલુ જ છે અને ૫૭ ટકા હિસ્સો મધ્યપ્રદેશને મળે જ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે સરદાર સરોવર ડેમથી જે વીજ ઉત્પાદન થાય તેનો ૧૬ ટકા હિસ્સો ગુજરાતનો છે. વિજય રૂપાણીએ કહ્યું કે ૧૫ એપ્રિલ, ૨૦૧૯ના તમામ ભાગીદાર રાજ્યોની બેઠક મળી હતી અને તેમાં નિર્ણય કરવામાં આવેલા છે કે કોંક્રિટ ગ્રેવિટી ડેમને પૂરો ભરી તેનું તથા દરવાજાઓનું ટેસ્ટીંગ કરવામાં આવે તે જરૂરી છે. ગુજરાતે આ નિર્ણય એકપક્ષીય નથી લીધો પરંતુ એનસીએને વિધિવત દરખાસ્ત કરી ભાગીદાર રાજ્યોની આ બેઠક યોજીને નિર્ણય લેવાયો છે.
તેમણે આ અંગે જણાવ્યું કે એક વખત ૧૩૧ મીટર કરતા વધુ લેવલ થાય ત્યારબાદ ૧૩૮.૬૭ મીટર સુધી ડેમ ધીરે ધીરે ભરવાનો થાય તો વધારાના પાણીથી પાવર હાઉસ ચલાવી શકાશે. ૧૩૮ મીટર ડેમ ભરાય અને ટેસ્ટિંગ થાય તે બધા જ રાજ્યોના હિતમાં છે એટલે ગુજરાતે આ લેવલનો આગ્રહ રાખ્યો છે.
મુખ્યમંત્રીએ વિસ્થાપિતોના વિષયે મધ્યપ્રદેશના મંત્રીના નિવેદનોને ટાંકીને જણાવ્યું કે ગુજરાતે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૨૦૧૭થી અત્યાર સુધી તમામ કામગીરી પૂર્ણ કરી છે. તેમણે મધ્યપ્રદેશ ૬ હજાર પરિવારોનું સ્થળાંતર નથી થયું તેવા આક્ષેપના સંદર્ભમાં કહ્યું કે, ૧૨મી જુલાઈએ બોલાવેલી બેઠકમાં મધ્યપ્રદેશના કોઇ અધિકારીઓ હાજર રહ્યાં નહીં અને ફરી બોલાવેલી ૧૮ જુલાઈની બેઠકનો બહિષ્કાર કરી દ્ગઝ્રછ સામે વિરોધ દર્શાવ્યો અને હવે વિસ્થાપિતોની વાતો કરે છે.
નર્મદા ડેમના પાણી મામલે શરૂ થયેલા વિવાદ બાદ એમપીના સીએમ કમલનાથે પ્રતિક્રિયા આપતા. જણાવ્યુ હતુ કે, ડેમના પાણી માટે જે કરાર કરવામાં આવ્યો તે મુજબ ગુજરાતને પાણી આપવામાં આવશે. કરાર સિવાયનું પાણી કોઈને પણ આપવામાં નહીં આવે. કમલનાથની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે એમપી સરકારના પ્રધાને જણાવ્યુ હતુ કે, નર્મદાનું પાણી ગુજરાતને આપવામાં નહીં આવે. જે બાદ રાજ્યમાં ઘમાસાણ શરૂ થયુ છે.

નર્મદા ડેમના જળવિદ્યુત મથકોમાંથી ઉત્પાદન જ બંધ હોઈ વીજ ક્યાંથી આપે ?

નર્મદા ડેમના પાણી અને વીજળી વહેંચણી મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર વચ્ચે વિવાદ શરૂ થયો છે. જેમાં મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકાર વીજળી ન આપતી હોવાનો આક્ષેપ કરીને પાણી બંધ કરવાની ચીમકી આપી છે. જ્યારે ગુજરાત સરકારે મધ્યપ્રદેશની ધમકી સામે લડી લેવાની ચેતવણી આપી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, નર્મદામાંથી વીજળી ઉત્પન્ન થતી ન હોવાથી મધ્યપ્રદેશને વીજળી આપી શકે તેમ નથી. જ્યારે છેલ્લા એક અઠવાડીયાથી મધ્યપ્રદેશ ગુજરાતને પાણી આપી રહ્યું છે. આ અંગે ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ સરદાર સરોવર ડેમમાંના ૧૪૫૦ મેગાવોટની ક્ષમતાવાળા હાઇડલ પાવરમાંથી ૫૭ ટકા ઊર્જાનો હિસ્સો માગી રહી છે. મધ્યપ્રદેશનું કહેવું છે કે જો ગુજરાત સરકાર વીજ ઉત્પાદન કરીને નહીં આપે તો પાણી પણ છોડવામાં નહીં આવે. પરંતુ હાલ આ પ્લાન્ટ બંધ હોવાથી વીજ ઉત્પાદન થતું નથી. છેલ્લા ૧૫ વર્ષમાં સરદાર સરોવર નર્મદા ડેમના જળ વિદ્યુત મથકોનું વીજ ઉત્પાદન તળિયે ગયું હોવાનું જાણવા મળેલ છે. તેમાં પણ ૨૦૧૮-૨૦૧૯માં ૧૨૦૦ મેગાવોટના આરબીપીએસનું વીજ ઉત્પાદન ઝીરો યુનિટ નોંધાયું છે. પાંચ વર્ષથી અપુરતો વરસાદ અને ૨૦૧૭માં ડેમની ઉંચાઈ વધાર્યા બાદ દરવાજા લગાવવામાં આવતા ડેમના જળ વિદ્યુત મથકોનું વીજ ઉત્પાદન ઘટ્યું છે. નર્મદા ડેમમાં ઓછા વરસાદને કારણે નર્મદા ડેમ ઓવર ફ્લો થવાના દિવસો ઘટી જવા સાથે ડેમમાં જળસ્તર પુરતું ન હોવાથી આરબીપીએચ અને સીએચપીએચ વધતા કે ઓછા પ્રમાણમાં ચલાવી શકાય તેમ નથી. નિષ્ણાતો મુજબ, જળ વિદ્યુત મથકોનું વીજ ઉત્પાદન ઘટવાનું બીજું કારણ જૂન ૨૦૧૭માં નર્મદા ડેમની ઉંચાઈ ૧૩૮.૬૮ મીટર કરાઈ હોવાનું ગણાવી રહ્યા છે. જેના કારણે આરબીપીએસને ડેમ ભરવા કાર્યરત કરાયું નહોતું. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સપાટી વધી રહી છે. વરસાદી પાણીની આવક મુજબ મધ્યપ્રદેશ નર્મદા ડેમમાં પાણી છોડી રહ્યું છે. છેલ્લા ૧૦ દિવસમાં મધ્યપ્રદેશે ૬૯,૫૯૬ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાયું છે.