(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીના જથ્થાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઉહાપોહ વચ્ચે આજે રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહે ડેમમાં પાણીના ઘટાડાનો એકરાર કરતાં જણાવ્યું હતું કે નર્મદા ડેમમાંં થયેલા પાણીના સંગ્રહને ધ્યાને લેતાં એક વર્ષ સુધી પાણી ઓછું મળશે. આ સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સરદાર સરોવર ડેમમાંથી પાણી મેળવતા તમામ રાજ્યને ફાળવવામાં આવતા પાણીના જથ્થામાં કાપ મૂકવામાં આવ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના પાણીમાં કાપ મુકતા રાજકારણ ગરમાયું છે. ત્યારે નર્મદા ડેમની વર્તમાન પરિસ્થિતિને લઈને મુખ્ય સચિવ જે.એમ. સિંહે આજે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારોમાં વરસાદ ઓછો થયો હોવાથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાત, રાજસ્થાન સહિત ચારેય રાજ્યોમાં સપ્રમાણ પાણીકાપ મુકવામાં આવ્યો છે. પાણી વહેંચણી માટે જળવર્ષે ૧ જુલાઈથી ૩૦ જૂન સુધી ગણાય છે. તો હાલ નર્મદા નદીમાં વાપરવાલાયક પાણીનો જથ્થો માત્ર ર૮ મિલિયન એકર ફૂટ છે. એટલે કે ર૮ એમ.એ.એફ કરતા ઓછું પાણી વાપરવા મળશે. તેમાંથી ગુજરાતને ૯ એમ.એ.એફ. પાણી વાપરવા મળશે. ર૮ મિલિયન એકર ફૂટ પાણીના જથ્થામાંથી મધ્યપ્રદેશ માટે ૧૮.રપ મિલિયન એકર ફૂટ પાણીનો જથ્થો છે. આ સિવાય રાજસ્થાન માટે ૦.પ૦ મિલિયન એકર ફૂટ અને મહારાષ્ટ્ર માટે ૦.રપ એકર ફૂટ પાણીનો જથ્થો બચ્યો છે.
તેમણે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની આવકમાં ઘટાડો થયો છે ત્યારે નર્મદા કેનાલમાંથી નળીઓ દ્વારા પાણીની ચોરી થાય છે. પાણીની ચોરી અટકાવવા માટે પગલા લેવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
જે.એન. સિંહે વધુમાં કહ્યું હતું કે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય છે. ડેમમાં થયેલા પાણીના સંગ્રહને ધ્યાને લેતા એક વર્ષ માટે ઓછું પાણી મળશે. સરદાર સરોવર ઉપરના ઈન્દિરા સાગર ડેમમાં પાણીનો સંગ્રહ થયો નથી. તેમાંથી પાણીની ઓછી આવક થઈ રહી છે. માટે સરદાર સરોવર ડેમમાં પાણીનો વધુ સંગ્રહ થયો નથી. તેમણે ખેડૂતોને બકનળી હટાવવા અપીલ કરતા વધુમાં કહ્યું હતું કે ખેડૂતોને ખરીફ અને રવિપાક માટે પાણી આપવામાં આવ્યું હતું.
નર્મદા ડેમમાં પાણીની ઘટને લઈ એક વર્ષ સુધી પાણી ઓછું મળશે : ડૉ. સિંહ

Recent Comments