(સંવાદદાતા દ્વારા )
અમદાવાદ, તા.ર૯
ગુજરાતનો સૌથી મોટો ડેમ એવા નર્મદા ડેમની કામગીરી પૂર્ણ થઈ હોવાથી તેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યું પરંતુ ખરેખરમાં આ નર્મદાનું લોકાર્પણ એ નકલી લોકાર્પણ હતું કેમ કે નર્મદા ડેમની કામગીરી પૂર્ણ થઈ જ નથી આ નર્મદા ડેમનો કાનૂન અને પ્લાન બન્ને બદલી દેવાયા છે. તેવો સણસણતો આક્ષેપ ગુજરાતની મુલાકાતે આવેલા નર્મદા ડેમના વિસ્થાપિતો માટે લડત લડનારા કર્મશીલ મેઘા પાટકરે કર્યો છે. કર્મશીલ મેઘા પાટકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ નર્મદા ડેમનું લોકાર્પણ કરી જાહેરાત કરી કે ડેમ સંપૂર્ણ બની ગયો છે. જો કે, ડેમની સાથે સાથે તેને લગતી સામાજિક અને પર્યાવરણને લગતા કાર્યો પૂર્ણ થાય તો જ ડેમ પૂર્ણ થયો કહેવાય. ત્યારે મારે કહેવું છે કે, નર્મદા ડેમને લગતા સામાજિક અને પર્યાવરણના કાર્યો પૂરા થયા નથી. એટલે નર્મદા ડેમ હજુ પણ અધૂરો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ડેમનું લોકાર્પણ કર્યું તે નકલી લોકાર્પણ છે. વધુમાં તેમણે કહ્યું કે, નર્મદા ડેમનો હેતુ નાના-નાના ગામ, ટાઉન સુધી પાણી પહોંચાડવાનો હતો જ્યારે અત્યારે નાના-નાના ગામો અને ટાઉનમાં પાણી પહોંચાડવાને બદલે શહેરોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તદુપરાંત નર્મદાનું પાણી ઉદ્યોગકારોને પહોંચાડવામાં આવી રહ્યું છે. તદુપરાંત નર્મદા ડેમ બનાવવાનો પ્લાન અને જે કાનૂન હતું તે બદલીને ડેમને પૂર્ણ કરી દેવાયો છે. જો કે નર્મદા નદી પણ આ ડેમને લીધે ખતમ થઈ ગઈ છે. આ ડેમને લીધે ૧ ટીપું પણ પાણી નીચે આવ્યું નથી. ત્યારે ડેમમાંથી પાણી કેટલું છોડવું તે અંગે અભ્યાસ કરીને પાણી છોડવું જોઈએ. વધુમાં કર્મશીલ મેઘા પાટકરે જણાવ્યુું હતું કે ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હીતના કામ કરવાની વાત હતી. પરંતુ આજે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા ત્યારે મોદીએ ખેડૂતોને આપેલા વાયદા પૂરા કર્યા નથી. અમારી એનજીઓ દ્વારા કરાયેલા એક સર્વેમાં ૭થી ૮ રાજ્યના મળીને કુલ ૧૦૦ બજારોમાં પાંચ પ્રકારના પાકના વેચાણમાં ખેડૂતોને રૂા.૩૬ હજાર કરોડ ઓછા મળ્યા છે. જ્યારે ખડૂતો ઉપરના દેવાને સરકાર માફ કરતી નથી. વધુમાં મેઘા પાટકરે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર ઉદ્યોગપતિઓને રાહત આપે છે તો ખેડૂતોના દેવા માફ કેમ કરતી નથી ત્યારે ગુજરાતના છેતરાયેલા ખેડૂતોએ પણ ચૂંટણીમાં ધ્યાન રાખીને મત આપવો જોઈએ. વધુમાં તેમણે માંગ કરતાં જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોના દેવા માફ કરી તેમનો પાક ટેકાના ભાવે ખરીદવો જોઈએ.

જૂઠ્ઠા નર્મદા ભક્ત નેતાઓએ નર્મદાને ખતમ કરી નાંખી

જાણીતા નર્મદા આંદોલનકારી અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના સભ્ય મેઘા પાટકરે આજે ખેડૂતો અને નર્મદા મુદ્દે ભાજપ સરકાર અને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો અને પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો બેહાલ છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે બીજીબાજુ, નર્મદા યોજનાનું કેનાલોનું કામ અને ૪૦હજારથી વધુ વિસ્થાપિતોના પુર્નવસનનું કામ હજુ પૂરુ થયુ નથી તેમછતાં નર્મદા યોજનાની ઉજવણીના નકલી કારસાઓ થઇ રહ્યા છે. સાચી અને આઘાતજનક હકીકત એ છે કે, ગુજરાતમાં જૂઠા નર્મદાભકત રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓએ નર્મદાને ખતમ કરી નાંખી છે અને નર્મદાના નામે ચૂંટણીમાં મત માંગવા એ ગંભીર અપરાધ છે. ગુજરાતે તેની અસલ નર્મદા ખોઈ નાંખી છે તો પછી તેનું લોકાર્પણ કેવું ? સાચી વાસ્તવિકતા એ છે કે, નર્મદા નારેશ્વરથી લઇ ભાડભૂત સુધીના પટ્ટાની નદી સૂકાઇ ગઇ છે તો, ૧૨૯ મીટર સુધી દરિયો અંદર આવી ગયો છે. ભરૂચ સહિતના સંબંધિત વિસ્તારોમાં જે પાણી જોવા મળે છે તે દરિયાનું પાણી છે. નર્મદાનું પાણી આજે પણ તેના ખરા હકદાર એવા કચ્છ-સૌરાષ્ટ્રના ખેડૂતોને મળ્યું નથી, તેના બદલે ગુજરાતના ઉદ્યોગોને નર્મદાનું પાણી બારોબાર પહોંચી રહ્યું છે. મેઘા પાટકરે ગુજરાતના ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફી અને ખેડૂતોના પાકના સાચા ભાવો ચૂકવવાની મુખ્ય બે માંગણી કરી હતી અને આ મુદ્દે ચૂંટણી પહેલાં જવાબ આપવા ભાજપ અને મોદી સરકારને પડકાર ફેંકયો હતો.