અંકલેશ્વર, તા.૧૭
આજરોજ સાંજે ૩ઃ૩૦ કલાકે નર્મદા નદીના તટ પર (ગોલ્ડન બ્રિજની નીચે) નર્મદા નદીને જીવંત રાખવા ભગવાન તંત્રને સદ્‌બુદ્ધિ આપે. એ આશયથી યજ્ઞનું આયોજન વિવિધ સ્વૈચ્છીક સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ તથા વિવિધ સંગઠનોએ હાજરી આપી હતી અને નર્મદા નદીની હાલની પરિસ્થિતિ જોઇ જેમાં નદી સુકાઈ ગઈ છે. નદીમાં દરિયાના ખારા પાણી આવી અહીંયાનું ભૂગર્ભ જળ ખારા થઈ ગયા છે. જેને લીધે પીવાના અને ખેડૂતો માટે સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થઇ છે. માછીમારો માટે તેમની આજીવીકાની સમસ્યા ઉભી થઈ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો અને માછીમારો બેહાલ બન્યા છે. જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે બાબતો ધ્યાને લઇ દુઃખ વ્યક્ત કરી સંકલ્પ કર્યો હતો કે, જે રીતે ડેમ બન્યા પછી અન્ય નદીઓનું અસ્તિત્વ ખલાસ થયું છે તેવું નર્મદા નદીનું અસ્તિત્વ ખલાસ ન થાય તે માટે અમો અમારા બધા જ પ્રયત્નો કરીશું. જેમાં વ્યાપક જન આંદોલનોની જરૂર પડશે તો કાયદાકીય લડત લડવાની તૈયારી રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આજની આ પ્રાર્થના સભામાં પ્રકૃતિ સુરક્ષા મંડળ, પર્યાવરણ સુરક્ષા અને માનવ કલ્યાણ એસોસિએશન, પર્યાવરણ સુરક્ષા સમિતિ, નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ, ગુજરાત ખેડૂત સમાજ સહિતના અન્ય વિસ્તારના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી પોતપોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને આ લડતમાં આગળ લડત આપવાની સહમતિ આપી હતી.