છોટાઉદેપુર,તા.ર૩
છોટાઉદેપુરના બોડેલી ઓરસંગ નદી પર નર્મદા મુખ્ય નહેરનો એકવેડકટ (જળ વહન સેતુ) તેના ફાઉન્ડેશનમાં ભારે ધોવાણને લીધે જોખમી બન્યો છે. ન કરે નારાયણને જળસેતુને નુકશાન થાય તો પંદર કિલોમીટર સુધી સુનામી સર્જાય તેવો ભય છે. સમગ્ર ગુજરાતને નર્મદાનું પાણી મળતું બંધ થઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય એમ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલી પાસે અલ્હાદપુરા અને ઝાખરપુરા વચ્ચેનો આ ઓરસંગ એકવેડકટ તેના પાયામાં ૬થી ૭ મીટર સુધી ધોવાણ થતા પાયા સાવ ખુલ્લા થઈ ગયા છે. ફાઉન્ડેશનની પાઈલ કેપ અને તેની નીચેની પાઈલ્સ પણ ખુલ્લી થઈ ગઈ છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના બોડેલી એકવેડકટ જે દુનિયાની સૌથી મોટી જળવહન ક્ષમતા ધરાવતો એક માત્ર જળ સેતુ છે. અહીં રેતીનું ખૂબ ધોવાણ થઇ ગયું છે. એકવેડકટની અપસ્ટ્રીમ બાજુ ઠેર-ઠેર ટ્રેક્ટરો વડે આજે પણ ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યુ છે. નર્મદાના અધિકારીઓને પણ આ રેતી માફિયાઓ ગાંઠતાં નથી. આખરે આ ટ્રેક્ટરો વડે ચાલતા ખનન પર અંકુશ મેળવશે કોણ ?
જળસેતુની આ હાલત માટે આખરે જવાબદાર કોણ ? જે રીતે નર્મદા તંત્રે ઓરસંગ એકવેડકટની સલામતી અંગે ભયસ્થાન દર્શાવ્યું છે. તે જોતા કઈક બને અને એકવેડકટ માળખું ધ્વસ્ત થાય તો બોડેલી સહિત ૨૫ ગામોમાં માનવસર્જિત સુનામી જેવી આપત્તિ આવી પડે. બોડેલી આખું ડૂબી જાય, ભારે પાયમાલી, ખુવારી સર્જાય. નર્મદા વિભાગ આ જલસેતુની સલામતી માટે ટ્રેક્ટરોથી જુનીબોડેલીના ઓરસંગ ભાઠા પાસે થતાં ખનનને રોકવા જાતે પણ દોડ્યા છે. નર્મદા તંત્રનો અવાજ છોટાઉદેપુરનું વહીવટી તંત્ર જ સાંભળતું નથી.
આ એકવેડકટની સલામતી માટે ચિંતિત સરદાર સરોવર નર્મદા નીગમ દ્વારા વડોદરાની ગેરી લેબોરેટરીમાં જાણ કરી તેની સલામતી માટે શું કરવું તેની ડિઝાઇન અને સલાહ માગી છે. જે એકવેડકટના નીચવાસ વિભાગમાં નજીકમાં જ એક વિયર એટલે કે એક પ્રકારનો ડેમ બનાવવા વિચારણા છે.
યશપાલસિંહ ઠાકોર કોંગ્રેસ જિલ્લા પ્રમુખે જણાવ્યું કે, નર્મદાની નહેર જે ગુજરાતની જીવાદોરી છે. એ કેનાલના સ્ટ્રકચરના રેતીના ખનનના લીધે ઓછામાં ઓછા ૧૫થી ૨૦ ફૂટ પાયા નીકળી ગયા છે. જો આ ડેમેજ કંટ્રોલ કરવામાં નહિ આવે તો નર્મદા કેનાલને મોટું નુકશાન થશે. ખેડૂતોને ઉનાળામાં પાણી મળે નહી. જો તંત્ર જાગે નહી તો ગુજરાતને બહુ મોટું નુકશાન થશે.
છોટાઉદેપુર સુજલ મ્યાત્રાએ જણાવ્યું કે, આપણે હાલમાં જ એકવેડકટની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ નર્મદા નિગમને નોંધાવ્યો છે. સત્વરે યોગ્ય કાર્યવાહી અને વધુ કોઈ નુકશાન ન પહોંચે એ માટે તંત્ર તૈયાર છે.