(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૯
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની ભૌતિક રીતે તમામ કામગીરી ર૦૧૯માં પૂર્ણ થઈ જવાનો નિર્ધાર વ્યક્ત કરતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, નર્મદા યોજનાની નહેરો વગેરેના કામ માટે કેન્દ્ર સરકાર તરફથી રૂા.૭૩૦ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે આ સાથે ઓછા વ્યાજની લોન પણ કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરિત લાભ સિંચાઈ યોજના હેઠળ વર્ષ ર૦૧૮-૧૯ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૭૩૦.૯૦ કરોડની સહાય મંજૂર કરી છે. સરદાર સરોવર નર્મદા યોજના કેન્દ્ર સરકાર દ્વારા અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદગી પામેલ દેશની ૯૯ યોજનાઓમાં આ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની લોંગ ટર્મ ઈરીગેશન ફંડ (એલટીઆઈએફ) યોજનામાંથી રૂા.૧૪૮૪.૩૯૧ કરોડની લોંગ ટર્મ ઈરીગેશન ફંડની લોન ૬ ટકાના ઓછા વ્યાજદરની મંજૂર કરી છે. જેથી નર્મદા યોજનાની કામગીરીમાં વધુ વેગ આવશે. રાજ્યના લાખો ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા માટે અને કરોડો નાગરિકોના પીવાના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરતી આ યોજનાના નહેર માળખાના બાંધકામો ડિસેમ્બર ર૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જમીન સંપાદનમાં કોર્ટ મેટર જ્યાં છે તેના સિવાયની બાકી બધી જગ્યાએ કેનાલોનું કામ પૂર્ણતાને આરે છે. ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. વધુમાં નર્મદા ડેમમાં પાણીની સપાટી વધતા તેમણે કહ્યું કે, રાજ્યમાં વર્ષ દરમિયાન પીવાનું પાણી જેટલું જોઈએ તેટલું નર્મદા ડેમમાં આવી ચૂકયું છે. એટલે હવે ચિંતાનો વિષય નથી.