Ahmedabad

નર્મદા યોજનાના નામે છ કરોડ ગુજરાતીઓ સાથે સરકારની છેતરપિંડી

અમદાવાદ,તા. ૧૫
રાજ્યભરમાં અનેક સ્થળોએ ભાજપ દ્વારા યોજાયેલ નર્મદા મહોત્સવ યાત્રાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભીસમાં આવેલી ભાજપ સરકારને વધુ ભીસમાં લેતા પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ નર્મદા યોજનાના મુદ્દે સરકાર પર અનેક આક્ષેપો કર્યા છે.
નર્મદા યોજનાના મુદ્દે ભાજપ સરકારના જૂઠ્ઠાણાંનો પર્દાફાશ કરતાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, ખુદ કેગના ૨૦૦૯ના અહેવાલમાં કહેવાયું છે કે, નર્મદા નહેર નેટવર્કમાં રૂ.૧૮,૫૧૫ કરોડનું રોકાણ કરવા છતાં તેની મરામત કે નિભાવની કામગીરી થઇ નથી. આઘાતજનક વાત એ છે કે, ભાજપ સરકારે ગેરકાયદે રીતે નર્મદા નહેરોની લંબાઇ હજારો કિ.મી ઘટાડી દીધી છે. જો નહેરોની લંબાઇ ઘટે તો, રાજયમાં ખેડૂતોનો સિંચાઇનો વિસ્તાર વધે કેવી રીતે ?, નર્મદા યોજના ખેતી માટે છે તો, ભાજપ સરકાર દ્વારા શા માટે તેમના માનીતા ઉદ્યોગોને પાણી અપાય છે? પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને નર્મદા અભિયાનના મંત્રી ગૌતમ ઠાકર, પીયુસીએલના રાષ્ટ્રીય કારોબારી સભ્ય પ્રો.હેમંતકુમાર શાહ સહિતના આગેવાનોએ નર્મદા યોજનાને લઇ આજે ફરી એકવાર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, નર્મદાની મૂળ યોજનામાં ખેતીમાં સિંચાઇ માટે જ પાણી આપવાનું આયોજન કરાયું હતું, તેમાં કયાંય પીવાના પાણી કે ઉદ્યોગો માટે પાણી આપવાની જોગવાઇ જ ન હતી, તેમછતાં ગુજરાત સરકારે નર્મદાનું પાણી પીવાના હેતુ માટે વાપર્યુ અને ઉદ્યોગોને લાખો લિટર પાણી આપી દીધું. આમ કરી ગુજરાત સરકારે રાજયના ૫૦ લાખ ખેડૂતો અને ૫૮ લાખ ખેતમજૂરો સાથે દ્રોહ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી એમ કહે છે કે, ૧૮,૫૦૦ કિ.મીની પાઇપલાઇન નાંખી કમાન્ડ એરિયામાં ૭.૫ લાખ હેકટરનો વધારો કરાયો છે પરંતુ તેઓ તદ્‌ન જૂઠું બોલી રહ્યા છે. સરકારના નર્મદા વિભાગનો જ અહેવાલ એમ કહે છે કે, ૨૦૧૧-૧૨માં ૧,૯૩.૬૮૪ હેકટરમાં સરદાર સરોવર યોજનાને લીધે સિંચાઇ થતી હતી તે વધીને ૧૨-૧૩માં ૨,૦૯,૦૫૭ હેકટર વિસ્તારમાં થતી હતી. એ પછી સિંચાઇ વિસ્તારમાં કોઇ વધારો થયો નથી એમ નર્મદા વિભાગ પોતે તેના અહેવાલમાં કહે છે તો પછી સાડા સાત લાખ હેકટરમાં સિંચાઇ થાય કેવી રીતે? તેમણે વધુમાં જણાવ્યું કે, નર્મદા યોજનાના મૂળ આયોજન પ્રમાણે ૯૦,૩૮૯ કિમી લાંબી નહેરો ખોદવાની હતી પરંતુ સરકારે અનઅધિકૃત રીતે તેમાં હજારો કિ.મીનો ઘટાડો કરી તે લંબાઇ ૭૧,૭૪૮ કિમીની કરી નાંખી. ન તો સરકારે તે માટેનું કારણ આપ્યું કે, ન તો નર્મદા કંટ્રોલ ઓથોરીટીને જાણ કરી.આમ, ભાજપ સરકારે ગેરકાયદે અને અનઅધિકૃત રીતે નર્મદા નહેરોની લંબાઇમાં ઘટાડો કરી ગુજરાતની પ્રજા સાથે છેતરપીંડી કરી છે. કેગના અહેવાલ મુજબ, નર્મદા યોજનાના અમલ વખતે નિગમ વર્ટિકલ ઇન્ટીગ્રેશન અભિગમ અપનાવવામાં નિષ્ફળ ગયું છે. આમ ભાજપ સરકારે નર્મદા યોજનાના નામે ગુજરાતની છ કરોડ જનતા સાથે ગુનાહીત બેદરકારી આચરી તેમની સાથે છેતરપીંડી કરી છે.