અમદાવાદ,તા. ૧૭
નર્મદા યોજનાને વટાવવાના ભાજપના પ્રયાસને લઇ હવે ગુજરાતનો ખેડૂત સમાજ પણ રોષે ભરાયો છે અને જાહેરમાં સરકાર સામે આવ્યો છે. ગુજરાત ખેડૂત સમાજ તરફથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવાયું છે કે, નર્મદાના પાણી છેક કચ્છ અને જામનગરના ઉદ્યોગો સુધી ધાર્યા કરતાં વહેલા પહોંચી ગયા છે. પરંતુ હજુ સુધી અમદાવાદના ધોલેરા, ભરૂચના વાગરા સહિતના પંથકોમાં ખેડૂતોના ખેતરો સુધી નર્મદાના સિંચાઇના જળ પહોંચ્યા નથી. વાસ્તવમાં ભાજપ ચૂંટણી આવી રહી છે, એટલે નર્મદા યોજનાનું નામ વટાવી રહી છે અને લોકાર્પણ શબ્દ વાપરે છે પરંતુ ખરેખર તો, આખી નર્મદા યોજના ઉદ્યોગાર્પણ થઈ ચૂકી છે. આ અંગે ગુજરાત ખેડૂત સમાજના મંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગપ્રેમી ભાજપ મત માટે લોકોને ઉત્સવના રવાડે ચઢાવી ચૂંટણીની વૈેતરણી પાર કરવા માંગે છે પરંતુ ગુજરાતના ખેડૂતો એ વાત હજુ ભૂલ્યા નથી કે, આ ભાજપની સરકારે જ એમના પર પાણી ચોરીના કેસો કર્યા છે અને પાણી માંગનાર ખેડૂતો પર બેરહમીથી લાઠીઓ વરસાવી છે. ગુજરાતમાં ખેતીના ૧૭.૯૨ લાખ હેકટર કમાન્ડ વિસ્તારની સામે માંડ પાંચ લાખ હેકટરમાં સિંચાઇનું પાણી પહોંચાડવા બદલ ભાજપ સરકારે લાજી મરવું જોઇએ તેના બદલે નર્મદા યોજનાનું લોકાર્પણ કરીને ગાજવાનું કામ કરી રહી છે. જો સિંચાઇ અને પુર્નવસન બાકી હોય તો કેવી રીતે લોકાર્પણ હોઇ શકે. સિંચાઇની હાલત જોતાં તો નર્મદા યોજનાનું ઉદ્યોગાર્પણ વધારે લાગે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપ સરકારે રાજયના ગામડાના તળાવો ભરવાને બદલે અને ખેડૂતોના ખેતરો સુધી સિંચાઇના પાણી પહોંચાડવાના બદલે નર્મદાના પાણી દરિયામાં અને ખારાઘોડાના રણમાં વેડફયા છે. કરજણ અને બીજી સિંચાઇ યોજનાઓના પાણી ઉદ્યોગોને પધરાવનારી સરકાર સામે ખેડૂતો મોરચો માંડીને બેઠા છે, રથને રવાડે ચઢાવીને ગામડાના મત સેરવી જાય એ દિવસો ગયા. રામરથથી છેતરાયેલી ગુજરાતની જનતા આ વખતે નર્મદા રથથી નહી છેતરાય. ગુજરાત ખેડૂત સમાજે નર્મદા યોજનાનું નામ વટાવનારી ભાજપ સરકાર પાસેથી કેટલાક સળગતા સવાલોનો જવાબ માંગ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, નર્મદા યોજનાના નામે ગુજરાતની જનતાને બેવકૂફ બનાવવાનો સરકારનો પ્રયાસ આ ચૂંટણીમાં ઉંધો પડશે અને ભાજપને હાથના કર્યા હૈયે વાગશે.