અમદાવાદ,તા. ૨૬
ચકચારભર્યા નરોડા ગામ કેસમાં બનાવવાળા સ્થળના નીરીક્ષણ અને અભ્યાસ અર્થે સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇ તા.૫મી ઓકટોબરે સાંજે ૪-૦૦ વાગ્યે નરોડા ગામની મુલાકાત લેશે. સ્પેશ્યલ જજની સાથે નરોડા ગામ કેસના સંબંધિત પક્ષકારો પણ હાજર રહેશે. સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇ ઘટનાસ્થળની મુલાકાત લઇ રૂબરૂમાં જાતમાહિતી મેળવશે. નરોડા ગામના બનાવસ્થળની મુલાકાત એટલે કે, લોકલ ઇન્સ્પેકશન માટે સરકારપક્ષ દ્વારા અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને તા.૫મી ઓકટોબરે તમામ પક્ષકારો અને તેમના વકીલોની ટીમ સાથે નરોડા ગામની મુલાકાત લેવાનું જાહેર કર્યું હતું. એ દિવસે સ્પેશ્યલ જજની મુલાકાતને લઇ નરોડા ગામના બનાવવાળા સ્થળ ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ તૈનાત કરાશે. નરોડા ગામ કેસમાં સરકારપક્ષ તરફથી એક અરજી આપી કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે, કેસના ચુકાદા પહેલાં અને દલીલોનો તબક્કો પૂર્ણ થાય તે પહેલાં કોર્ટે નરોડા ગામના બનાવવાળા સ્થળની મુલાકાત લેવી જોઇએ અને ગુના વખતની સર્જાયેલી ભયંકર પરિસ્થિતિનો જાત ચિતાર મેળવવો જોઇએ કે જેથી અદાલતને સમગ્ર કેસની ગંભીરતા અને મહત્વના મુદ્દાઓનો વાસ્તવિક ખ્યાલ આવી શકે. આ અરજી સ્પેશ્યલ કોર્ટે ગ્રાહ્ય રાખી તા.૫મી ઓકટોબરે તમામ પક્ષકારો સાથે નરોડા ગામમાં ઘટનાસ્થળની મુલાકાત લેવાનું જાહેર કર્યું હતું. નરોડા ગામ કેસમાં સાક્ષીઓની તપાસ અને ઉલટતપાસનો તબકકો પૂર્ણ થઇ ગયા બાદ પક્ષકારોની દલીલોનો પ્રારંભ થયો હતો. જેમાં રાજય સરકારે ગઇકાલે કોર્ટને જણાવ્યું હતું કે, નરોડા ગામ કેસમાં કુલ ૮૬ આરોપીઓ હતા, જેમાંથી એક આરોપીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી તેને બિનતહોમત મુકત કર્યો હતો. જયારે કેસના ટ્રાયલ દરમ્યાન ૧૦ જેટલા આરોપીઓ ગુજરી ગયા છે. આમ કુલ ૭૫ આરોપીઓ વિરૂધ્ધ ટ્રાયલની કાર્યવાહી હાલ ચાલી રહી છે. બચાવપક્ષના અને પ્રોસીકયુશન પક્ષના તમામ સાક્ષીઓની સરતપાસ અને ઉલટતપાસનો તબક્કો પણ પૂર્ણ થઇ ગયો છે. આ કેસમાં કુલ ૧૮૭ જેટલા સાક્ષીઓ છે. નરોડા ગામ કેસમાં તપાસનીશ એજન્સી દ્વારા જુદા જુદા સમયે મુખ્ય ચાર્જશીટ અને અન્ય પૂરવણી ચાર્જશીટો આરોપીઓ વિરૂધ્ધ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. કેસની ગંભીરતા અને સંવેદનશીલતા કોર્ટે ધ્યાને લેવી જોઇએ.
નરોડા ગામ કેસ : સ્પે. જજ પમીએ ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લેશે

Recent Comments