અમદાવાદ, તા.રપ
ર૦૦રમાં ગુજરાતના કોમી રમખાણોમાં માનવતાને શર્મશાર કરે એવી નરોડા પાટિયા હત્યાકાંડમાં આજે આવેલા ચુકાદામાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા ત્રણ આરોપીઓને હાઈકોર્ટે દસ-દસ વર્ષની સજા ફટકારી છે. ત્યારે હાલ પણ અમદાવાદના નરોડા પાટિયા ખાતે રહેતા અનેક પીડિતોને થોડોક હાશકારો થયો હતો કેમ કે, નરોડા પાટિયા જધન્ય નરસંહારનો ભોગ બનેલા અનેક પીડિતો આજે પણ અનેક મજબૂરીઓના કારણે ડર અને દહેશત વચ્ચે ત્યાં રહી દુઃખભર્યું જીવન જીવી રહ્યા છે. આરોપીઓના છૂટી જવાથી તેમને ખતરો છે એવું તેમને લાગી રહ્યું છે. જેમની દશા ખૂબ જ દયનીય છે એવા નરોડા પાટિયા નરસંહારના સાક્ષી જિન્નતબેન કલ્લુભાઈ શેખે જણાવ્યું હતું કે અમે તો સુપ્રીમકોર્ટ સુધી ન્યાય માટે લડત ચલાવીશું જ. પણ અમને એ નથી સમજાતું કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણસર કે બદલાની ભાવનાથી પ્રેરાઈ અન્ય વ્યક્તિનું ખૂન કરી નાંખે તો ઘણીવાર તેને આજીવન કેદ કે જન્મટીપની સજા થતી હોય છે. જ્યારે અમારા નિર્દોષ અને માસૂમ બાળકોને રહેંશી નાંખનારા, જીવતા સળગાવી દેનારા, અમારી બહેન-દીકરીઓની આબરૂ લેનારા લોકોને કેમ ઓછી સજા મળે છે પછી તેઓ નિર્દોષ છૂટી જાય છે આવું થતાં ત્યારે અમારો ડર અને દહેશત વધી જાય છે કેમ કે, આ આરોપીઓના સગા સંબંધીઓ અનેકવાર અમને ધાક-ધમકીઓ આપે છે. જો કે, આરોપીઓ જેલમાં છે ત્યારે આવી સ્થિતિ છે જ્યારે તેઓ છૂટી જશે તો શું થશે ?? એ દિવસના જધન્ય નરસંહારને યાદ કરતાં તેઓ રડી પડયાં હતાં. તેમણે કહ્યું કે જો પોલીસે પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવી હોત અને અમને બધા લોકોને એસઆરપી કેમ્પમાં જવા દીધા હોત તો આ ઘટના ન ઘટી હોત. તેમણે પોતાના ભત્રીજા અને ભાણિયાને આ નરસંહારમાં ગુમાવ્યા છે અને આ ઘટનાની અસરથી તેમના પુત્ર અને પતિના પણ મૃત્યુ થયા છે. હાલ તેમની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેમણે પોતે અનેક લોકોને ટોળાએ જીવતા સળગાવી દેતા જોયા હતા. એ દૃશ્ય યાદ આવતાં આજે પણ તેઓ બીમાર થઈ જાય છે. આમ આવા અપરાધ બદલ તો આરોપીઓને આજીવન કેદ કે ફાંસી જ મળવી જોઈએ તેમ તેઓ ઈચ્વે છે. જો કે સંપૂર્ણ ન્યાય માટે તેઓ આખરી દમ તક લડવાની તૈયારી બતાવી હતી. જિન્નતબેનના ઘરમાં કમાનાર કોઈ પુરૂષ નથી. આવકના કોઈ સ્ત્રોત નથી જાત મહેનત કરી અને લોકોની મદદ થકી જીવી રહ્યા છે. સહાય સ્વરૂપે જે મકાન મળ્યું છે તે ‘બોમ્બે હોટલ’ સિટીઝનનગરમાં મળ્યું છે. જ્યાં ‘નર્કાગાર’ જેવી સ્થિતિ છે અને ‘નરોડા પાટિયામાં’ પરિવારને જીવન-યાપન માટે કામકાજ મળી રહે છે. બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં પણ આરોપીઓના સગા-સંબંધીઓના ડર અને દહેશત વચ્ચે તટસ્થ રહી ન્યાય માટે અડીખમ આ મહિલાને સાચો ન્યાય મળશે ??