અમદાવાદ,તા. ૩
અમદાવાદ શહેરમાં પોલીસ જવાનો પર અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં હુમલા અને મારામારીની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વધી રહી છે. શહેરમાં માથાભારે અને લુખ્ખા તત્વોનો આંતક વધી રહ્યો છે અને તેઓ બેખોફ રીતે પોલીસ પર પણ હુમલો કરતા ડરતા નથી, તે જોતાં હવે આવા ગુનેગારોને પોલીસનો પણ જાણે ડર ના રહ્યો હોય તેવો માહોલ પેદા થઇ રહ્યો છે ત્યારે આવા તત્વોને સીધા કરવા પોલીસે આકરા પગલા લેવા જોઇએ તેવી લોકલાગણી પણ પ્રબળ બની છે. આવા જ એક બનાવમાં, નરોડા પાટિયા વિસ્તારમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક લોકરક્ષકે મોડી રાત સુધી ચા ની કીટલી ચાલુ રાખનારા તત્ત્વોને કીટલી બંધ કરવાનું કહેતાં આ માથાભારે શખ્સોએ લોકરક્ષક જવાનને રસ્તામાં ઘેરી લાકડી વડે ફટકાર્યો હતો. એ વખતે ત્યાંથી પસાર થતા એક કોન્સ્ટબલે તેને છોડાવવાનો પ્રયાસ કર્યો તો, માથાભારે શખ્સોએ કોન્સ્ટેબલને પણ માર માર્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના નરોડા પોલીસમથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં પંકજકુમાર રત્નાભાઇ પરમાર ગઇ મોડી રાત્રે નાઇટ પેટ્રોલીંગમા ફરજમાં હતા અને મોડી રાત સુધી ચાલુ રહેલા પાનના ગલ્લા, ચાની કીટલીઓ બંધ કરાવી જાહેર સુલેહશાંતિ સ્થાપવાની ફરજ અદા કરી રહ્યા હતા ત્યારે નરોડા પાટિયા સર્કલ પાસે ચાની કીટલી પણ આવી હતી અને પંકજકુમારે તેને પણ કીટલી બંધ કરવાની સૂચના આપી હતી. જેથી આરોપી લોકરક્ષક પંકજકુમારને નરોડા પાટિયા પોલીસ ચોકી પાસે રોડ પર ઘેરી લઇ લાકડીથી ફટકાર્યો હતો. એ વખતે ત્યાંથી પસાર થઇ રહેલા કોન્સ્ટેબલ કમલેશકુમાર વાલજીભાઇએ લોકરક્ષક જવાનને છોડાવવાનો પ્રયાસ કર્યો તો, આરોપીઓએ તેમને પણ ગડદાપાટુ અને માર માર્યો હતો અને ભાગી ગયા હતા. બાદમાં હુમલાનો ભોગ બનનાર લોકરક્ષક જવાન પંકજકુમારે નરોડા પોલીસમથકમાં આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.