(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૭
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ(જેએનયુએસયુ)ના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર તથા અન્યો વિરૂદ્ધ દેશદ્રોહમાં સોમવારે આરોપનામું દાખલ થઇ ગયા બાદ કનૈયા કુમાર સહિત વિવિધ લોકોએ આને રાજકારણ પ્રેરિત ગણાવ્યું છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા આરોપનામું દાખલ થવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંબંધ ધરાવતા સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ના બે પદાધિકારીઓએ જેએનયુ રાજદ્રોહ મામલે સ્ફોટક ખુલાસો કર્યો છે. બુધવારે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન એબીવીપીના જેએનયુ એકમના પૂર્વ ઉપાધ્યક્ષ જતિન ગોરાયા અને પૂર્વ સચિવ પ્રદીપ નરવાલે કહ્યું છે કે, એક સમાચાર ચેનલના વીડિયોમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવી રહેલા હાજર રહેલા વિદ્યાર્થીઓ કથિત એબીવીપીના સભ્યો હતા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા હતા. જતિન ગોરાયાએ જનતા કા રિપોર્ટર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેણે પત્રકાર પરિષદમાં જે દાવો કર્યો છે તેના પર તેઓ અડગ છે. એબીવીપીના જેએનયુ એકમનો પૂર્વ ઉપાધ્યક્ષ જતિન ગોરાયાએ જનતા કા રિપોર્ટરને કહ્યું છે કે, ઝી ન્યૂઝના ડીએનએ પ્રોગ્રામમાં જુઓ, તેમાં ચાર વીડિયો છે, તમે ચોથા વીડિયોને જુઓ જે લેબમાં તપાસ દરમિયાન યોગ્ય જણાયો હતો, કદાચ ઝી ન્યૂઝને ખબર નહીં હોય કે, આ વીડિયોમાં જેટલા લોકો ઉભા છે તેમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવી રહેલા તમામ એબીવીપી સાથે જોડાયેલા છે. તેણે કહ્યું કે, તે આ મુદ્દે એબીવીપીના પદાધિકારીઓને ચર્ચાનો પડકાર ફેંકી ચુક્યો છે અને હજુ પણ એબીવીપીના લોકો સાથે આ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે કે જે લોકો ત્યાં ઉભા છે તે તેના લોકો છે કે નહીં ? બીજી તરફ પૂર્વ સચિવ પ્રદીપ નરવાલે જનતા કા રિપોર્ટરને કહ્યું કે, ‘‘વાસ્તવમાં ઝી ન્યૂઝે જે વીડિયો ચલાવ્યો જેમાં તેણે દાવો કર્યો છે કે, આમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. મારૂ માનવું છે કે, ઝી ન્યૂઝે જે વીડિયો ચલાવ્યો છે તેની સાથે છેડછાડ કરાઇ છે પણ હવે ઝી ન્યૂઝ અને પોલીસ દાવો કરે છે કે, વીડિયો સાથે છેડછાડ નથી થઇ તો મારો સવાલ છે કે, જે લોકો નારા લગાવી રહ્યા છે તેઓ એબીવીપીના લોકો હતા, તો પોલીસે ચાર્જશીટમાં આ વીડિયોને કેમ સામેલ નથી કર્યો ? એબીવીપીના લોકો વિરૂદ્ધ ચાર્જશીટ કેમ દાખલ નથી થઇ ? આ વીડિયો ક્યાં છે ?
દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને જતિન ગોરાયા અને પ્રદીપ નરવાલે જેએનયુ રાજદ્રોહ કેસમાં આરોપનામું દાખલ કરવાના સમયને લઇને પણ સવાલ ઉઠાવતા તેને રાજકારણ પ્રેરિત ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એબીવીપીના જેએનયુ એકમના તત્કાલિન સંયુક્ત સચિવ પ્રદીપ નરવાલ અને બે અન્યોએ ૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ઘટના બાદ પરિસરમાં થયેલી અથડામણ બાદ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. આ કાર્યક્રમમાં ભારત વિરોધી નારા લાગ્યા હતા. બીજી તરફ એબીવીપીના જેએનયુ એકમના ઉપાધ્યક્ષ જતિન ગોરાયાએ ઓગસ્ટ ૨૦૧૬માં રાજીનામું આપી દીધું હતું. નરવાલે બુધવારે આરોપનામાને રાજકારણ પ્રેરિત ગણાવ્યું હતું. ગોરાયાએ કહ્યું કે, રાજદ્રોહ વિવાદ સુનિયોજિત હતો જેથી દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાના મોતથી શરૂ થયેલા આંદોલનને દબાવી શકાય. બીજી તરફ એબીવીપીએ આરોપ લગાવ્યો હતો કે, તેના બંને પૂર્વ સભ્યો કોંગ્રેસ સાથે છે જેઓ હવે આરોપી વિદ્યાર્થીઓનું સમર્થન કરી રહ્યા છે. તેણેઆને મુદ્દાથી ભટકાવવા માટેની રાજકીય ચાલ ગણાવી છે.

રોહિત વેમુલાની આત્મહત્યાની ઘટનાને દબાવવા ભાજપ દ્વારા JNU રાષ્ટ્રદ્રોહ વિવાદ છેડાયો હતો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
આરએસએસ સાથે સંબંધ ધરાવતા એબીવીપીના પૂર્વ વિદ્યાર્થીઓ નેતાઓએ સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે કે, જેએનયુ કેમ્પસનો વિવાદ ભાજપ દ્વારા પ્રાયોજિત હતો અને તેણે હૈદરાબાદ યુનિવર્સિટીના મૃતક વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાની ઘટનાને દબાવવા માટે વિવાદ છેડ્યો હતો. જેએનયુ રાષ્ટ્રદ્રોહ વિવાદ બાદ ૨૦૧૬માં એબીવીપી છોડનારા પ્રદીપ નરવાલે કહ્યું કે, સમગ્ર બાબત રાજકારણ પ્રેરિત છે અને તેથી ચોક્કસ મીડિયા સંસ્થાનોને તેમના રાજકીય માસ્ટર્સને ખુશકરવાની તક મળી ગઇ છે. તેણે કહ્યું કે, આ મીડિયા ટ્રાયલ હતી, અને આજે પણ મીડિયા ટ્રાયલ જ છે. આખો વિવાદ ત્યારે સર્જાયો જ્યારે મામલાને ઉપકુલપતિ દ્વારા ઉકેલાવાને બદલે તે વખતના તેલંગાણાના લેબર મંત્રી બંદારૂ દત્તાત્રેય દ્વારા દબાણને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ મુદ્દાને દબાવવા માટે જેએનયુ વિવાદ ઉભા કરાયો હતો. વેમુલાએ ત્રણ વર્ષ પહેલા હૈદરાબાદ યુનિવર્સિટી કેમ્પસમાં પોતાના રૂમમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.