જૂનાગઢ, તા. ર૪
ગુજરાત રાજ્યભરમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચય અભિયાન જોર-શોરથી ચાલી રહ્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત ઠેક-ઠેકાણે ફોટો સેશનરૂપ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા સરોવરને ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અખબારોમાં ફોટા અને પ્રેસનોટ પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ત્યારબાદ અચાનક તળાવને ઊંડુ ઉતારવાની અને માટી કાઢવાની આ કામગીરી બંધ પડી છે. જાણકારોનું કહેવું છે કે માત્રને માત્ર ૧૭ ફૂટ જેટલું નજીવું કામ થયું છે અને બે દિવસથી આ કામગીરી ઠપ છે. અહીં તળાવ દર્શન આવતા લોકોમાં ચર્ચા પણ છે કે શું ખાલી ફોટા પુરતી જ એક દિવસ માટે કામગીરી થઈ ! હવે આગળ કામ શરૂ થશે કે કેમ ? તેવો સવાલ પણ ચર્ચાનો વિષય બન્યો છે.
બીજી તરફ ૩૧મી મેના રોજ આ અભિયાન પુરું કરી લેવાનું છે ત્યારે જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર ઊંડુ ઉતારવાની કામગીરી વાસ્તવિક દિશા પકડશે ખરી ? તેવો સવાલ ઉઠ્યો છે. તળાવ ડેવલોપમેન્ટ, તળાવ, ફરતો રીંગરોડ, તળાવને નવસાધ્ય કરવા જેવી અનેક વાતો અત્યાર સુધી હવામાં જ કરાઈ છે. તળાવની માલિકી પ્રશ્ને પણ મનપા તંત્ર દ્વારા કાનૂની રીતે લડાઈ લડાતી નથી. જૂનાગઢમાં કોઈ યોજના પ્રજાકીય આંદોલન વગર પૂરી થતી નથી. તેવી પ્રજાને જાકારો આપવા શાસકોએ તળાવના વિકાસ માટે ગંભીર બનવું જરૂરી છે.