(એજન્સી) ભોપાલ, તા.૧૯
મધ્યપ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં એનપીઆર લાગુ નહીં કરવાના નિર્ણય અંગે રાજકારણ ગરમાઇ ગયું છે. ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ જેવીએલ નરસિમ્હા રાવે જણાવ્યું કેપ નાગરિકતા કેન્દ્ર સાથે જોડાયેલો મુદ્દો છે. કોઇ રાજ્ય પાસે કોઇ બંધારણીય અધિકાર નથી કે કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા કાયદાને લાગુ કરવાનો ઇનકાર કરે. કમલનાથ સરકાર સામે પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, જો મધ્યપ્રદેશ કે અન્ય કોઇ પણ રાજ્ય એનપીઆર લાગુ કરવાનો ઇનકાર કરે છે તો કેન્દ્ર સરકાર પાસે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો અધિકાર છે. નોંધનીય છે કે, બંધારણની કલમ ૩૫૬માં રાષ્ટ્રપતિ શાસન લાદવાના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તાએ એવું પણ કહ્યું કે, કોઇ પણ રાજ્ય દ્વારા એનપીઆર લાગુ નહીં કરવાની બાબત આત્મહત્યા કરવા જેવી છે. તેમણે કહ્યુંં કે, જો કોઇ પણ સરકાર એનપીઆર લાગુ નહીં કરે તો ૫૬ ઇંચનો દમ જોવા માટે તૈયાર રહે. સીએએ, એનઆરસી અને એનપીઆર લાગુ નહીં કરવામાં આવે તો અમારી પાસે કલમ ૩૫૬નો અધિકાર છે. સીએએ સામે જે સરકારોએ પ્રસ્તાવ પાસ કર્યો છે, તેનો કોઇ બંધારણીય તર્ક નથી. કેન્દ્ર સરકાર આ લાગુ કરવાનો આદેશ આપી શકે છે. જો કોઇ પણ સરકાર એનપીઆર લાગુ નહીં કરે તો કેન્દ્ર સરકાર પાસે ઘણા કાનૂની વિકલ્પો છે. કારણ કે, નાગરિકતાનો વિકલ્પ કેન્દ્રનો છે રાજ્ય સરકારોનો નથી.