(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૯
જૂનાગઢ શહેરમાં સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ હુસેનશા ઈસ્માઈલશા શાહમદારે એક આરટીઆઈ અરજી કરીને જનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અંગેની વિવિધ મુદ્દા નં. ૧થી ૧૬ની માહિતી માંગી હતી. આ મુદ્દાઓમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ આજદિન સુધી ઉપકુલપતિથી માંડી અત્યાર સુધી કરવામાં આવેલ સ્ટાફની ભરતી તે અંગેના અખબારોમાં આપવામાં આવેલી જાહેરાત વસ્તુઓની ખરીદી, તેના ટેન્ડરોની નકલ તેમજ આ ટેન્ડર આપેલ છે તેની વિગતો તેમજ યુનિ. દ્વારા અત્યાર સુધી કેટલી કોલેજોની મંજૂરી આપવામાં આવી ? અને ક્યા પ્રકારની મંજૂરી આપવામાં આવી તેની વિગતો, યુનિ. અંતર્ગત આવતી કોલેજોમાં કેટલા કોપી કેસ થયા તેની વિગતો તેમજ યુનિ. દ્વારા કરવામાં આવેલ ખરીદીની વિગતો, ભાવપત્રક અને એજન્સીની વિગતો તેમજ યુનિ. હાલમાં જે ભાડૂતી બિલ્ડિંગમાં કાર્યરત છે તેના ભાડાની વિગતો, માલ સામાન, ફર્નિચરની ખરીદી અને નિભાવ રજિસ્ટરની વિગતો, તેમજ યુનિ.ના ઉપકુલપતિને સરકારશ્રી તરફથી કેટલી ખરીદી કરવાની છૂટ છે તેના આદેશનો પરિપત્ર, સહિતની વિગતો માંગવામાં વી છે. યુનિ. દ્વારા ખરીદાયેલ વાહનો અને તેની ડીઝલ ખર્ચ, સ્ટાફની ભરતી, ઓડિટ રિપોર્ટની નકલ વગેરે સહિતની વિગતો માંગવામાં આવી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગેલી ઉપરોક્ત વિગતોની અને ઈન્ચાર્જ રજિસ્ટ્રારશ્રી તેમના પત્ર ક્રમાંક આરટીઆઈ/પ૪/ર૦૧૮ દ્વારા ઉપરોક્ત માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે અને એવું કારણ દર્શાવાયું છે કે સદરહું માંગેલ માહિતીનું પ્રગટીકરણ જાહેર હિતમાં નથી તેથી કલમ-૮ નીચે મળેલા અપવાદોમાં સમાવિષ્ટ થતી હોય આ માહિતી આપી શકાય તેમ નથી.