(એજન્સી) ન્યૂયોર્ક, તા.ર
અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ ભારત દ્વારા પોતાના જ ઉપગ્રહને નષ્ટ કરવાની ઘટનાને ભયાનક બતાવી કહ્યું કે, નષ્ટ કરેલા ઉપગ્રહના ૪૦૦ ટુકડાનો કાટમાળ અવકાશમાં વેરવિખેર થતાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર સામે ખતરો પેદા થયો છે. ભારતે ર૭ માર્ચના રોજ એન્ટી સેટેલાઈટ મિસાઈલ વડે સફળ પ્રયોગ કરી ઉપગ્રહને અવકાશમાં તોડી તાડ્યો હતો. જે પૃથ્વીથી ૩૦૦ કિ.મી. દૂર અવકાશમાં ઘૂમી રહ્યો હતો. નાસાના પ્રમુખ જીમ બ્રાઈડેસ્ટને બતાવ્યું કે, અત્યાર સુધીમાં ૬૦ ટુકડાનો પત્તો લાગ્યો છે જેમાંના ર૪ ટુકડા આઈએસએસના બિન્દુ ઉપર છે. આ ભયાનક છે. કાટમાળ અને બિંદુ સુરી ટુકડા પહોંચવાની ઘટના ભયાનક વાત છે. ઉપગ્રહને નષ્ટ કરતા ૪૦૦ ટુકડા અવકાશમાં ફેલાઈ ગયા. બધા ટુકડા એટલા મોટા નીથ કે તેને શોધી શકાય. નાસા હાલમાં ૧૦ સેમી અથવા તેનાથી મોટા ટુકડાનો પત્તો લગાવી રહી છે. હાલમાં ૬૦ ટુકડાનો પત્તો લાગ્યો છે. જેમાંના ર૪ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર માટે ખતરો પેદા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતે અવકાશમાં ઉપગ્રહ તોડી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી હોવાની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. ત્યારબાદ નાસાના પ્રમુખ બ્રાઈડેસ્ટાઈનનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે નાસાના કર્મચારીઓને સંબોધન કરતા આ વાત કરી. તેઓ ટ્રમ્પ તંત્રના પહેલા શિર્ષ અધિકારી છે જે આ ભારતના મિસાઈલ પરીક્ષણ સામે જાહેરમાં સામે આવ્યા. તેમને ડર છે કે, ભારતના એસેટ પરીક્ષણથી બીજા દેશો દ્વારા આવી ગતિવિધિઓનો ખતરો પેદા થયો છે. એક દેશ આવું કરે છે તો બીજા દેશોને પણ આવું કરવાનું મન થાય છે જે અસ્વીકાર્ય છે.
તેમણે કહ્યું કે, આ ઘટનાની આપણા પર શું અસર પડશે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. આ પરીક્ષણથી ૧૦ દિવસોમાં અંતરિક્ષ કેન્દ્રને નાના ટુકડાઓથી ખતરો ૪૪% વધી ગયો છે. અંતરિક્ષ યાત્રીઓ હજુ સુરક્ષિત છે. તે સારી વાત છે કે તે પૃથ્વીની કક્ષાથી ઘણું નીચે હતું. જે સમય સાથે તમામ ટુકડાઓ નષ્ટ થઈ જશે. ચીન દ્વારા ર૦૦૭માં ઉપગ્રહ વિરોધી પરીક્ષણથી અવકાશમાં ઘણો કચરો આજે પણ હયાત છે તેને હજુ શોધી રહ્યા છીએ. અમેરિકા અંતરિક્ષમાં ઉપગ્રહના કાટમાળના ૧૦ સે.મી. કે તેનાથી મોટા ર૪ હજાર ટુકડાઓને શોધી રહ્યું છે.