(એજન્સી) તા.૨૪
નાસાના વૈજ્ઞાનિકો બ્રહ્માંડની સૌથી ઠંડી જગ્યાનું નિર્માણ કરવામાં વ્યસ્ત છે. આ મિશનનું નેતૃત્વ ડો.અનિતાસેન ગુપ્તાના હાથમાં છે જેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં પોતાનું કેન્દ્ર બનાવી રાખ્યું છે. પ્રયોગ માટે શીતળ વાતાવરણ મહત્વનું હોય છે. પરંતુ નાસાની કોલ્ડ એટમ લેબોરેટરી (સીએએલ) તેને અત્યંત છેલ્લા તબક્કે લઇ જવા માગે છે.
લેબોરેટરી હવે જ્યારે એટમ ખરેખર ઠંડા બને છે ત્યારે શું થાય છે તેનો અભ્યાસ કરવા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ આગળ વધી રહી છે. અમેરિકન સ્પેસ એજન્સીના આ પ્રોજેક્ટ પાછળ મુખ્ય ભેજુ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક અનિતાસેન ગુપ્તાનું છે. ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન અનિતાસેન ગુપ્તાએ આઇએસએસ માટે લેસર કુલીંગ ક્વોન્ટમ ફિઝીક્સ ફેસિલિટી એવી કોલ્ડ એટમ લેબોરેટરી વિકસાવવાના પ્રોજેક્ટનું નેતૃત્વ સંભાળ્યું હતું.
અનિતાસેન ગુપ્તાએ ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં આ અંગે ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. કોલ્ડ એટમ લેબોરેટરી અવકાશના શૂન્યાવકાશ કરતા ૧૦ અબજ ગણું વધુ ઠંડું થવાની અપેક્ષા છે. આ લેબોરેટરી સેન્સર, ક્વોન્ટમ કમ્પ્યુટર અને સ્પેસ ક્રાફ્ટ નેવિગેશન ઉપયોગમાં લેવાતા એટેમિક ક્લોક સહિત સંખ્યાબંધ ટેકનોલોજીને મુખ્ય વેગ આપશે. કોલ્ડ એટમ લેબોરેટરી માઇક્રો ગ્રેેવિટી વાતાવરણમાં આ અલ્ટ્રા કોલ્ડ એટમનું લાંબો સમય નિરીક્ષણ કર શકશે. તે આઇએસએસની અંદરના વાતાવરણમાં બદલાવ લાવશે નહીં પરંતુ પોતાના જ પ્રયોગમાં બદલાવ લાવવામાં આવશે. કોલ્ડ એટમ લેબોરેટરી હાઇ ગ્રેડના વેક્યુમ ચેમ્બરનો તેમજ શ્રેણીબદ્ધ પાવર લેસરનો ઉપયોગ કરે છે પરંતુ જરુર છે ગ્રેવિટીને (ગુરુત્વાકર્ષણ) નાબૂદ કરવાની.
હાલ કોલ્ડ એટમ લેબોરેટર આઇએસએસ તરફ આગળ વધી રહી છે કે જ્યાં તે શૂન્ય ગુરુત્વાકર્ષણ પ્રાપ્ત કરી શકશે. નાસાના પૂર્વ વૈજ્ઞાનિક અનિતાસેન ગુપ્તા ભારત સાથે મજબૂત કનેક્શન ધરાવે છે કારણ કે તેમના પિતા પ.બંગાળના છે. હાલ અનિતાસેન ગુપ્તા વર્જીન હાઇપર લૂપ-૧માં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમની વેબસાઇટમાં લખ્યું છે કે અનિતાસેન ગુપ્તા રોકેટ સાયન્ટીસ્ટ અને એરો સ્પેસ એન્જિનિયર છે કે જેઓે મંગળ, ઉલ્કા અને ગહન અંતરીક્ષના સંશોધનને શક્ય બનાવનાર ટેકનોલોજી વિકસાવવામાં ૨૦ વર્ષ કરતા વધુ સમયથી સંકળાયેલા છે.