(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
ટીએમસી નેતા ડેરેન ઓબ્રાયને મોદી સરકારની નોટબંધીને મોટા ફારસ સમાન ગણાવી છે. નોટબંધીને ૧૯૭૭ ની નસબંધી સાથે સરખાવતાં તેમણે કહ્યું કે જેવી રીતે ૧૯૭૭ માં નસબંધી બાદ ઈન્દીરાએ સત્તા ગુમાવી હતી તેવી રીતે નોટબંધી બાદ ભાજપ ૨૦૧૯ માં સત્તા ગુમાવશે. એક વાતચીતમાં તેમણે કહ્યું કે અમારી સમગ્ર પાર્ટીનો એકમત છે કે નોટબંધી ઘોર નિષ્ફળતા છે. ટીએમસી અને મમતા બેનરજી કહી રહ્યાં છે કે નોટબંધી મોટું કૌભાંડ છે. તે એક મોટો ફારસ બન્યું છે. તે ૨૧ મી સદીનુ સૌથી મોટુ કૌભાંડ છે. ભાજપની સામે શાબ્દિક પ્રહાર કરતાં ઓબ્રાયને એવો આક્ષેપ કર્યો કે ભાજપ ખોટા વચનો આપીને અને લોકોને થોડા સમય પૂરતા મુર્ખ બનાવીને સત્તા હાંસલ કરી રહી છે. તેમણે કહ્યું કે નોટબંધીને કારણે દેશ અને દેશના લોકોનું નુકશાન થયું છે ભાજપની આગામી ચૂંટણીમાં આ વાત ભારે પડવાની છે. તેમણે કહ્યું કે નસબંધી બાદ ઈન્દીરાએ સત્તા ગુમાવી તેવી રીતે ભાજપ પણ નોટબંધી સત્તા ગુમાવશે. તેમણે કહ્યું કે ભાજપ, વડાપ્રધાન અને નાણા મંત્રી અલગ અલગ બોલી રહ્યાં છે. હું તમને તમામને નવેમ્બરની તમામ વીડિયો જોવાની તથા તમારી પસંદગીના અખબાર વાંચવાની વિનંતી કરૂ છું અને તમને હકીકત દેખાઈ આવશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ બુધવારે એવું જાહેર કર્યું છે કે ૮ નવેમ્બર ૨૦૧૬ સુધી ચલણમાં રહેલી ૬૭૦૦ મિલિયન જુની નોટોમાંથી રૂ.૧૦૦૦ ની ૮૯ મિલિયન નોટો પરત આવી નથી. આરબીઆઈએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે નોટબંધીને પગલે જુની ૧૦૦૦ ની ફક્ત ૧.૩ ટકા જ નોટો બેન્કીંગ સિસ્ટમમાં પરત આવી છે. આરબીઆઈએ ઉમેર્યું કે નોટોબંધી બાદ ના બે મહિનાની વચ્ચે આરબીઆઈ દ્વારા કુલ ૫.૫૪ લાખ કરોડની નોટોમાંથી ૨,૩૮૦ કરોડની નોટો બેન્કીંગ સિસ્ટમમા મૂકવામાં આવી છે.