(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૦
વડોદરાની તરસાલી આઇટીઆઇની આઇટીસી બિલ્ડીંગના રૂમમાં આજે સવારે એકાએક સ્લેબનો અમુક ભાગ ખરતા વિદ્યાર્થી સહિત શિક્ષકોમાં નાસભાગ મચી હતી. બનાવને પગલે આઇટીઆઇ સંચાલકોએ તાત્કાલિક બિલ્ડીંગને ખાલી કરી હતી. વડોદરાની તરસાલી આઇટીઆઇમાં આઇટીસી બિલ્ડીંગ આવેલી છે. વર્ષો જુની આ ઇમારતમાં આઇટી ટ્રેડના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજે સવારે ટ્રેડમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક હાજર હતા તે સમયે એકાએક સ્લેબનો અમુક ભાગ પડતા વિદ્યાર્થીઓ અને શિક્ષક ગભારાયા હતા. સ્લેબનો અમુક ભાગ પડવાની સાથે શિક્ષક સ્થળ પરથી ખસી જતા તેઓ બચી ગયા હતા. બનાવને પગલે તાત્કાલિક ટ્રેડ (વર્ગ)માંથી બાળકો અને શિક્ષકો બહાર દોડી આવ્યા હતા. બનાવની ગંભીરતાને પગલે સત્તાધીશોએ આઇટીસી ડીપાર્ટમેન્ટને તાત્કાલિક અન્યત્ર સિફટ કરવાની સાથે બિલ્ડીંગને બંધ કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં તરસાલી આઇટીઆઇની એક બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. જેમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. અને બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.