અમદાવાદ,તા.ર૩
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય નાણાપંચની રાજ્ય સરકાર સાથેની બેઠકમાં રાજયના મુખ્યમંત્રી રૂપાણીએ નાણાપંચને રાજયોને પરફોર્મન્સ બેઈઝડ પ્રોત્સાહન આપવાની બાબત મંચના માપદંડમાં આવરી લેવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો. તદઉપરાંત જે રાજયોએ નશાબંધી નીતિ અપનાવી હોય તેના કારણે થતી મહેસૂલી આવકની ખોટ પૂરવા પંચે સહાયરૂપ થવા વિચાર કરવો જરૂરી છે.
ગાંધીનગરમાં ૧પમાં કેન્દ્રીય નાણાપંચની રાજય સરકાર સાથે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષ એમ.કે. સિંઘના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકાર સાથેની આ બેઠકમાં નાણાપંચના સભ્યો સર્વ શશીકાંતા દાસ, અનુપસિંઘ, ડો. અશોક લાહીરી, ડો. રમેશચાંદ તેમજ સચિવ અરવિંદ મહેતાએ ભાગ લીધો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘ અને રાજય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો પણ બેઠકની ચર્ચાઓમાં સહભાગી થયા હતા.
આ બેઠક અંગે વિજય રૂપાણીએ કહ્યું કે ૧૪માં નાણાપંચની ભલામણોમાં લગભગ ર.પ૦ ટકાની કુલ વૃધ્ધિ થાય છે પરંતુ એ પણ રાજયોની વિકાસ જરૂરિયાતોની આપૂર્તિ માટે પર્યાપ્ત નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે ૧૪માં નાણાપંચની બહુધા ભલામણોનો રાજય સરકારે અમલ કર્યો છે.
મુખ્યમંત્રીએ નાણાપંચને રાજયોની મહેસૂલી આવક અને ખર્ચની જવાબદારીઓ વચ્ચેના પ્રવર્તમાન અસંતુલન પર વિચાર કરવાનો પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતમાં લગભગ પ૦ ટકા આબાદી શહેરોમાં વસે છે અને શહેરીકરણનો વ્યાપ ઉત્તરોત્તર વધતો રહ્યોછે તેની ભૂમિકા આપી હતી. તેમણે આ અંગે ભારપૂર્વક જણાવ્યું કે શહેરી ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા અને સેવાઓમાં ગુણવત્તા માટે શહેરીકરણ સંદર્ભના માપદંડો પણ પંચે સમાવિષ્ટ કરવા જોઈએ. મુખ્યમંત્રીએ ગુજરાતના સુચારૂ નાણાં વ્યવસ્થાપન અને સર્વગ્રાહી વિકાસની વિશદ છણાવટ કરતા પંચના અધ્યક્ષ અને સભ્યોને જણાવ્યું કે દેશની કુલ જનસંખ્યાના પ ટકા આબાદી ધરાવતું ગુજરાત નેશનલ જી.ડી.પી.માં ૭.૬ ટકાનું યોગદાન આપે છે. ગુજરાત ઔદ્યોગિક વિકસીત રાજય હોવા સાથે વ્યાપાર ઉદ્યોગ માટે પસંદગીનું રાજય પણ છે એટલું જ નહીં. ભારતના આર્થિક સર્વેક્ષણના ર૦૧૭-૧૮ના અહેવાલો અનુસાર સેવાઓ અને વસ્તુઓની નિકાસમાં ૧૭ ટકા યોગદાન ગુજરાતે આપ્યું છે. મુખ્યમંત્રીએ આર્થિક વિકાસ સાથે જ સેવાક્ષેત્રોના સર્વગ્રાહી વિકાસને પણ કેન્દ્રવર્તી રાખ્યો છે તેની વિગતો પણ આપી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત રેવન્યુ સરપ્લસ રાજય છે તેની વિગતો આપતા ઉમેર્યું કે, ર૦૧૬-૧૭ દરમ્યાન ફિઝકલ ડેફિસીટ ઘટીને જીએસડીપીના ૧.૪ર ટકા થઈ ગઈ છે. આ બેઠકમાં ગુજરાત સરકારના નાણાં વિભાગે રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં રાજય સરકારના વિવિધ વિભાગોની સિધ્ધિઓ તેમજ કેન્દ્ર સરકાર હસ્તકના ભંડોળમાંથી મળતા હિસ્સાની સામેની પ્રગતિની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષ એન.કે. સિંઘ અને સભ્યોએ ગુજરાત સરકારના પ્રો-એકિટવ યોગદાનની અને પ્રેઝન્ટેશનની સરાહના કરી હકારાત્મક સૂચ્નો પણ કર્યા હતા.