(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.૬
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ કેરળની ત્રણ દિવસીય મુલાકાતે છે. ત્યારે રવિવારે રાત્રે કથિત રૂપે નશામાં ધૂત એક શખ્સે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મારી નાંખવાની ધમકી આપી હતી. આ શખ્સનું નામ જયારમન કે જે ચિરક્કલ મંદિર, થ્રિસુરનો પૂજારી છે, તેણે રામનાથ કોવિંદ જે સેન્ટ થોમસ કોલેજના શતાબ્દી મહોત્સવમાં સામેલ થવાના છે. તે કાર્યક્રમના સ્થળને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. થ્રિસુર શહેરની પૂર્વીય પોલીસના જણાવ્યા અનુસાર જયારમને રવિવારે ૧૧ઃ૩૦ કલાકે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. પૂર્વીય પોલીસે પવરથી પોલીસની મદદથી એક કલાકની અંદર ફોન કરનારનો નંબર ટ્રેસ કર્યો અને જયારમનની અટકાયત કરી છે. પોલીસે એવું માન્યું કે, જયારમને જ્યારે ફોન કર્યો હતો ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે આ પૂજારીની વિરૂદ્ધ ર૯૪ની કલમ તેમજ પ૦૬ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે જયારમનના નંબર પરથી કોઈ અન્ય વ્યક્તિએ આ ફોન કર્યો હતો કે શું ? રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અહીં સોમવારે કેરળ વિધાનસભાની હિરક જયંતી સમારંભના સમાપન સત્ર લોકશાહીના તહેવારનું ઉદ્દઘાટન કરવા પહોંચ્યા હતા. આ સમારંભ પૂર્ણ થયા બાદ તેઓ કોચી જવા માટે રવાના થયા હતા.