(એજન્સી) તા.ર૧
દેશમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા મુદ્દે જાણીતા અભિનેતા નસરૂદ્દીન શાહે કરેલી ટિપ્પણી પર જમણેરી વિચારધારા ધરાવતા લોકોએ આધાતજનક પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ નસીરૂદ્દીન શાહને ફકત આ ટિપ્પણી બદલ દેશદ્રોહી ગણાવી દીધા હતા. શુક્રવારે આ પ્રતિક્રિયાઓનો જવાબ આપતા નશીરૂદ્દીન શાહે કહ્યું હતું કે મેં પહેલા જે કઈ પણ કહ્યું તે એક ચિંતિત ભારતીય વ્યથા હતી. આ વખતે મેં આવું તો શું કીધું છે. કે મને દેશદ્રોહી ચીતરવામાં આવે છે ? હું એ દેશ વિશે ચિંતા વ્યકત કરી રહ્યો હતો. જેને હું પ્રેમ કરૂં છુ. એ દેશ કે જે મારૂં ઘર છે તે ગુનો કેવી રીતે બની શકે ? શુક્રવારે વિરોધના પગલે નશીરૂદ્દીન શાહે અજમેર લિટરેચર ફેસ્ટિવલમાં જવાનું પણ ટાળ્યું હતું. જમણેરી તત્વોએ અજમેર લિટરેચર ફેસ્ટિવલમાં લાગેલા નશીરૂદ્દીન શાહના ફોટો પણ ફાડી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે શાહે ગુરૂવારે કહ્યું હતું કે ભારતીય સમાજમાં ફેલાયેલા અસંહિષ્ણુતાના ઝેરના કારણે મને મારા બાળકો વિશે ચિંતા થાય છે.