(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૪
ભારે ચકચાર જગાવનાર ૨૧.૮૦ લાખની છેતરપિંડીના કેસમાં નાસતા ફરતા વારસીયાનાં બગલામુખી મંદિરનાં પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયની વારસીયા પોલીસે ચીખલી નજીકનાં માલવાળા ગામ પાસેથી ધરપકડ કરી હતી. પોલીસ પાંખડી પ્રશાંત ઉપાધ્યાયને વડોદરા લઇ આવી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના વારસીયા રીંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરનાં ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસીયા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લાં ૩ વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતા તેની માતાએ પણ બગલામુખી મંદિરનાં ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ તથા કોમલ ઉર્ફે પીન્કી ગુરૂમુખ સામે વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસથી નાસતા ફરતા પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયે આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે નામંજૂર થતા તે પોલીસથી બચવા નાસતો ફરતો હતો. વારસીયા પોલીસે વિવિધ ટીમો બનાવી પ્રશાંત ઉપાધ્યાયને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, માહિતીના આધારે પોલીસે ચીખલી નજીક નેશનલ હાઇવે પર માલવાળા ગામ પાસેની એક રેસ્ટોરન્ટ પાસેથી પાખંડી પ્રશાંત ઉર્ફે ગુરૂજી મહેશચંદ્ર ઉપાધ્યાયની ધરપકડ કરી હતી. પોલીસ પ્રશાંત ઉપાધ્યાયને વડોદરા લઇ આવી હતી. તેમજ વધુ પુછપરછ માટે પાખંડી ગુરુજીનાં રીમાન્ડ મેળવવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.