(એજન્સી) અંકારા, તા.ર૯
શનિવારે તુર્કીની પોલીસે એવા ૪૯ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હોવાની માહિતી મળી છે જે આઈએસ સાથે સંકળાયેલા હોવાની આશંકા છે. આ લોકો પર તુર્કીના નેશનલ હોલિડેના દિવસે મોટો હુમલો કરવાનું કાવતરું રચવાનું આરોપ મઢવામાં આવ્યું છે. આ માહિતી તુર્કીની રાજ્ય દ્વારા સંચાલિત એનાદોલુ ન્યૂઝ એજન્સીએ આપી હતી. તુર્કીની ૯૪મી સ્વતંત્રતા વર્ષગાંઠ ઉજવણીના એક દિવસ અગાઉ જ તુર્કીની પોલીસ દ્વારા આ ધરપકડ હાથ ધરવામાં આવી છે. પાટનગર અંકારામાંથી આ ૪૯ લોકોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. એનાદોલુએ વધારે માહિતી ન આપતાં જણાવ્યું હતું કે, તુર્કીની સરકારે લગભગ પપ જેટલા શંકાસ્પદો વિરોધ વોરંટ જાહેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષોથી તુર્કી પણ આઈએસના અવાર-નવાર કરવામાં આવતા હુમલાથી કંટાળ્યો છે. જો કે તાજેતરની ઘટના મુજબ જો નેશનલ હોલિડેના રોજ હુમલો કરવામાં આવ્યો હોત તો કદાચ વધારેમાં વધારે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હોત. જો કે તુર્કીની પોલીસે હવે ઘણી બધી જગ્યાઓએ દરરોજના દરોડા પાડી આઈએસના આતંકીઓને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.