(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નટવરસિંહે દેશના ભાગલા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, સારૂં થયું કે ભારત-પાકિસ્તાનના ભાગલા થયા. જો આવું ના થયું હોત તો, મુસ્લિમ લીગ દેશને વ્યવસ્થિત ચાલવા જ ના દેત અને અનેક “ડાયરેક્ટ એક્શન ડેઝ” (કોલકત્તા રમખાણ) પણ થયા હોત. પૂર્વ વિદેશમંત્રીએ આ વાત રાજ્યસભા સાંસદ એમ જે અકબરના નવા પુસ્તકના લોકાર્પણ સમયે કહી હતી. નટવર સિંહે જણાવ્યું કે, પ્રથમ વખત જિન્નાહના જીવનકાળમાં ૧૬ ઓગસ્ટ, ૧૯૪૬માં તોફાન થયું હતું. જ્યારે કોલકત્તામાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં હજારો હિંદુઓ માર્યા ગયા હતા. જેના જવાબમાં બિહારમાં પણ હિંસાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં અનેક મુસ્લિમોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. એવામાં અશક્ય હતું કે, મુસ્લિમ લીગ દેશને ચાલવા દે.
સિંહે જણાવ્યું કે, મોહમ્મદ અલી જિન્નાહના નેતૃત્વમાં મુસ્લિમ લીગે એક અલગ દેશની માંગ કરતાં ડાયરેક્ટ એક્શનમાં સામેલ થવાનું આહ્વાન કર્યું હતું. ૧૬ ઓગસ્ટ, ૧૯૪૬માં કોલકત્તામાં હિંસા ફાટી નીકળી હતી. જેને કલકત્તા હિંસા અથવા ડાયરેક્ટ એક્શન ડે તરીકે ઓળખવામાં આવે છે. બંગાળના કલકત્તામાં મુસ્લિમો અને હિંદૂઓ વચ્ચે કોમી હિંસા ફાટી નીકળી હતી. તે બ્રિટીશ ભારતનો સમય હતો.
સિંહે જણાવ્યું કે, આ પ્રકારે કલ્પના કરી શકો છો, જો ભારતના ભાગલા ના થયા હોત, તો આજે મુસ્લિમ લીગ આપણા કામ કરવામાં અનેક અડચણો ઉભી કરતી હોત. એવા સમયે એક જ સપ્તાહમાં સરકાર નબળી પડી જાય. નટવરસિંહે ગાંધીજીને મહાન અને જિન્નાને અઘરા વ્યક્તિ ગણાવ્યા હતા.