(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
ગીર જંગલમાં હાલ સિંહોના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. છેલ્લા બે દાયકામાં સિંહોના શિકાર, ટ્રેન, ખુલ્લા કૂવા, વીજકરંટ જેવા કારણોથી સિંહોના થતા મોત અને હવે સિંહોમાં ફેલાયેલી બીમારીને લીધે થતા ટપોટપ મૃત્યુથી વન્યપ્રાણી પ્રેમીઓ ચિંતિત છે ત્યારે અત્યારસુધી ગીર જંગલમાં જે એશિયાટિક સિંહો સુરક્ષિત રહ્યા તેનો શ્રેય જૂનાગઢના નવાબ સર મોહમ્મદ મહાબતખાનજી ત્રીજાને આપી શકાય. ગુજરાતમાં સલ્તનતકાળ અને મોગલ શાસન કાળમાં સિંહોના શિકારને લીધે એશિયાટીક સિંહોની સંખ્યા ઘટવા લાગી હતી. એક સમય એવો પણ આવ્યો કે ગીર જંગલમાં માત્ર ગણતરીના ડઝનેક સિંહો જ બચ્યા હતા. પરંતુ ૧૯ર૦માં મોહમ્મદ મહાબતખાનજી ત્રીજાએ જૂનાગઢની અસ્મિતા ગણાવી તેના શિકાર પર પ્રતિબંધ મૂકાવી દીધો અને સિંહને રાજ્યાશ્રય આપ્યો. આથી ધીમે ધીમે સિંહોની વસ્તી વધવા લાગી હતી. તેમના ૧૩ વર્ષના શાસન દરમિયાન માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો હતો. આમ જૂનાગઢના નવાબના સિંહ પ્રેમથી ગીરના જંગલમાં ૧૯પ૦ની સાલમાં સિંહની સંખ્યા ર૦૦નો આંક પાર કરી ગઈ હતી.