(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૮
સુપ્રીમકોર્ટે નવાઝ શરીફને ગેરલાયક ઠેરવતા સંસદની બેઠક ખાલી થઈ હતી. એ લાહોરની બેઠક ઉપર પેટાચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં શરીફની બીમાર પત્ની બેગમ કુલસુમનો વિજય થયો છે. લાહોર મત વિસ્તાર શરીફનો ગઢ છે એ ફરીવાર સાબિત થઈ ગયું છે. બેગમ કુલસુમે પોતાના નજીકના હરીફ તહરીક-એ-ઈન્સાફના યાસ્મીન રશીદને પરાજય આપ્યો છે. કુલસુમ હાલમાં જ કેન્સરની સારવાર માટે લંડન ગયા છે અને સાજા થઈ રહ્યા છે. એમની દીકરી મરિયમ નવાઝે પ્રચારનું સમગ્ર કાર્ય સંભાળ્યું હતું. આ પેટા ચૂંટણી આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણીઓ માટેની એક ટેસ્ટ રૂપે જોવાતો હતો. પરિણામો પછી મરિયમે કહ્યું કે લોકોએ અમને સમર્થન આપી અમારી સામે મૂકાયેલ આક્ષેપોને ફગાવ્યા છે. અમારા મતવિસ્તારના લોકોએ પૂરવાર કર્યું છે કે, એ હજુ પણ શરીફને જ વડાપ્રધાન સમજે છે અને એમની તરફ સન્માન ધરાવે છે. લોકોએ સુપ્રીમકોર્ટના આદેશને પણ સ્વીકાર્યો નથી. શાસક પક્ષે લશ્કર ઉપર આક્ષેપો મૂકયા છે કે એમણે ૬૦થી વધુ અધિકારીઓને દૂર કર્યા હતા. જેથી પેટા ચૂંટણી ઉપર પ્રભાવ પાડવામાં આવે. આ અધિકારીઓ ઉપરાંત અમારા પક્ષના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી હતી પણ અલ્લાહની મહેરબાનીથી અમે ચૂંટણી જીત્યા અને બધાની ગણતરીઓ ખોટી પડી. લશ્કરી શાસકોથી અમારા કાર્યકર્તાઓ ડર્યા નથી.